કૃષિ મંત્રીએ ખેડૂતોને આપેલ વચન હજુ પણ કાયમ છેઃ વડાપ્રધાન
નવી દિલ્હી
બજેટ સત્રને મુદ્દે શનિવારે થયેલી સર્વદળીય બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા આંદોલનકારી ખેડૂતો માટે મહત્વનુ નિવેદન આપ્યુ હતું.
બેઠક દરમિયાન વડાપ્રધાને જણાવ્યું કે સરકાર ખેડૂતો સાથે વાટાઘાટો માટે હમેશાંથી તૈયાર છે અને કૃષિ મંત્રી દ્વારા ખેડૂતોને અપાયેલ વચન આજે પણ કાયમ છે. પીએમ મોદીએ એમ પણ કહ્યુ હતું કે ખેડૂતોથી સરકાર માત્ર એક ફોન કોલ જેટલા અંતરે છે.
બજેટ સત્રને મુદ્દે આજે વડાપ્રધાનના નેતૃત્વમાં યોજાયેલી સર્વદળીય બેઠકમાં કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ, ટીએમસીના સુદીપ બંદ્યોપાધ્યાય, શિવસેનાના વિનાયક રાઉત અને શિરોમણી અકાળી દળના બલવિંદર સિંહ ભુંડરે ખેડૂત આંદોલન પર પોતાનો પક્ષ રજૂ કર્યો સર્વદળીય બેઠક વિશે માહિતગાર કરતા કેન્દ્રિય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું હતું કે, સરકાર અને ખેડૂતોની 11મી બેઠકમાં ખેડૂતો સમક્ષ ચર્ચા માટે સરકાર તૈયાર હોવાની રજૂઆત કરી હતી. તેઓ એક ફોન કોલ કરી જણાવશે અને સરકાર ચર્ચા માટે તૈયાર હશે.
સામાન્ય રીતે આ પ્રકારની બેઠકો સંસદ સત્ર શરુ થયાને પહેલા યોજવામાં આવતી હોય છે, જેથી બંને સદનોની કાર્યવાહીમાં અનુકૂળતા રહે.