ગાંધીનગર
આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવાલીયાને પૂછવામાં આવ્યું ત્યારે તેમને કહ્યું કે, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સ્વામીનારાયણ મંદિર ખાતે રોકાયા હતા. ત્યારે પોલીસ દ્વારા કહેવામાં આવ્યું કે, ચૂંટણીપંચના નિયમ અનુસાર કોઈ પણ બહારનો વ્યક્તિનો ગાંધીનગરમાં રહી શકે નહીં. એટલા માટે અલગ-અલગ રૂમમાં રહેલા ૫૦ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. તો બીજી તરફ આમ આદમી પાર્ટી ગુજરાતના ફેસબૂક પેજ પર એક પોસ્ટ કરીને કહેવામાં આવ્યું છે કે, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની રાત્રે ૧૨ વાગ્યે ગાંધીનગરમાં ધરપકડ કરવામાં આવી રહી છે. સી.આર. પાટીલ, હર્ષ સંઘવી અને ગુજરાત પોલીસ સામાન્ય માણસની શક્તિથી કેમ ડરે છે?ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન શરૂ થઇ ચૂક્યું છે. તો મતદાનને લઈને વહેલી સવારથી જ ગાંધીનગરમાં તમામ મતદાન મથકો પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે મતદારો મતદાન કરી રહ્યા છે. ત્યારે ગતરાત્રીના રોજ ગાંધીનગરમાંથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને પોતાની રૂમમાંથી બહાર કાઢી મુકવામાં આવ્યા હતા.ગાંધીનગરની ચૂંટણી હોવાના કારણે રાજ્યના અલગ અલગ ગામડાઓ અને શહેરોમાંથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ગાંધીનગરમાં પહોંચ્યા હતા. ત્યાં તેઓ અલગ-અલગ જગ્યા પર રૂમ રાખીને રહેતા હતા. પરંતુ મતદાનની આગળની રાત્રે એટલે કે ગત રાત્રીના રોજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જે જગ્યા પર ભાડે રાખીને રહેતા હતા તે જગ્યા પરથી પોલીસની મદદથી તમામ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની રૂમ ખાલી કરાવવામાં આવી હતી. અડધી રાત્રે આ તમામ કાર્યકર્તાઓને પોતાના સામાનની સાથે ગાંધીનગરમાં રઝળતા મુકી દેવામાં આવ્યા હતા. આ બાબતેના વીડિયો આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા દ્વારા સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યા છે. જ્યારે પોલીસની મદદથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને તેમના રૂમમાંથી બહાર કાઢી મુકવામાં આવ્યા હતા ત્યારે એક કાર્યકર્તાએ તેની વેદના વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, અમે ભલે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છીએ પણ પહેલા અમે ગુજરાતના નાગરિક છીએ. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ કહ્યું હતું કે, અહીં અમે બધા આરામ કરતા હતા પણ ગાંધીનગરની અંદર ભાજપ હારી ગઈ છે. અડધી રાત્રે અમારી રૂમો ખાલી કરાવીને અડધી રાત્રે બહાર કાઢવામાં આવ્યા છે અત્યારે અમે ક્યાં જઈએ. આવું ગંદુ રાજકારણ. તમે બધા મોટા મોટા વચન આપો છો કે અમે પ્રજા માટે આવું કરીશું તેવું કરીશું તો અમે અત્યારે ગુજરાતની પ્રજા નથી? અમને આમ જ હેરાન પરેશાન કરવાના છે. અમને આવીને કહેવામાં આવ્યુ કે તમારે આ રૂમ ખાલી કરવાની છે અને પોલીસ પણ સાથે હતી. અમે આમ આદમી પાર્ટીના માણસો હોય કે ન હોય પરંતુ આ ગુજરાતના નાગરીક છીએ. આની પાછળ કોનો હાથ છે તે આખું ગુજરાત જાણે છે.