ગાંધીનગર
કોરોનાની વૈશ્વિક મહામારી પછી ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં પ્રથમ વખત ત્રણ પક્ષો વચ્ચે જંગ ખેલાયો છે. ભારે રસાકસી ધરાવતી આ ચૂંટણીમાં ૧૧ વોર્ડની ૪૪ બેઠકો માટે ૨૮૪ બૂથ પર ૨૮૧૮૯૭ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ આજે કરીને ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. તંત્ર ધ્વારા ગઈકાલથી જ ઈવીએમ સહિતની સામગ્રી બૂથ પર રવાના કરાઈ હતી અને હાલ દરેક બૂથ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત મૂકી દેવાયો છે.સવારે સાત વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે સેકટર – ૨ પ્રાથમિક શાળામાં સવારથી મતદારો ગોથે ચડયા છે. કેમકે બુથ નો નંબર અલગ અને વર્ગ ખંડની બહાર અલગ નંબર હોવાના કારણે અસમંજસ સર્જાઈ છે. જેનાં પગલે જિલ્લા કલેક્ટર ડો. કુલદીપ આર્ય પણ આવી પહોંચ્યા હતા. પોલીંગ બુથ એજન્ટ પણ ગોથે ચડયા હતા.૧૧ વોર્ડ માં ૪૪ બેઠકો માટે ૧૬૧ ઉમેદવારોએ ઝંપલાવ્યું છે. જેમાં ૪૪ હ્વદ્ઘॅ, ૪૪ કોંગ્રેસ, ૪૦ આમ આદમી પાર્ટી, ૧૪ બહુજન સમાજ વાદી પાર્ટી, ૨ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી, ૬ અન્ય પક્ષના તેમજ ૧૧ અપક્ષ પાર્ટીના ઉમેદવારોએ હરીફાઈમાં ઝંપલાવ્યું છે. સરકારી નગરી તરીકે જાણીતું ગાંધીનગરમાં મોટાભાગે સરકારી કર્મચારીઓ રવિવારની રજા હોવાથી વહેલી સવારે આરામ કરવાના મૂડમાં હોય છે. જેથી અત્યારે સવારે સાત વાગે મતદાન કેન્દ્રો પર પાંખી હાજરી જાેવા મળી રહી છે. જેમ જેમ દિવસ આગળ વધશે તેમ તેમ મતદાન કેન્દ્રો પર મતદારો ની સંખ્યા વધતી જશે. મતદાન કેન્દ્રો પર મેડીકલ ની ટીમ પણ તૈનાત રાખવામાં આવી છે.ચૂંટણી તંત્ર દ્વારા ૨૮૪ બૂથ પૈકી ૧૪૪ને સંવેદનશીલ અને ચારને અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે. આ તમામ બૂથ પર કુલ ૧,૪૫,૧૩૦ પુરુષ મતદાર અને ૧,૩૬,૭૫૮ મહિલા મતદાર નોંધાયેલા છે, જ્યારે ૯ અન્ય છે. મતદાન મથક માટે ૪૬૧ બેલેટ યુનિટ અને ૩૧૭ કાઉન્ટિંગ યુનિટ તૈયાર કરીને મતદાન મથકો પર મોકલી દેવાયા છે. આ કામગીરી માટે ૧૧ વોર્ડમાં પાંચ ચૂંટણી અધિકારી અને ૧૭૭૫ કર્મચારીઓ તૈનાત કરાયા છે. આ ઉપરાંત મતદાન મથકોએ ૧૨૭૦ પોલીસ કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે. મતદાન પૂર્ણ થયા બાદ તમામ ઈવીએમને પાંચ સ્ટ્રોંગરૂમમાં મૂકવામાં આવશે. સે-૧૫ની સરકારી સાયન્સ કોલેજ, સે-૧૫ આઈટીઆઈ, સે-૧૫ સરકારી કોમર્સ કોલેજ, સે-૧૫ સ્વર્ણિમ સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને સે-૧૫ની સરકારી આર્ટ્સ કોલેજમાં ઈવીએમ સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યા છે. મતગણતરીની પ્રક્રિયા સે-૧૫ સરકારી સાયન્સ કોલેજ, આઈટીઆઈ, સરકારી કોમર્સ કોલેજ, સ્વર્ણિમ સ્પોર્ટસ યુનિ અને સરકારી આર્ટસ કોલેજમાં કુલ ૫૩ ટેબલ પર હાથ ધરાશે. ચૂંટણી તંત્ર દ્વારા ૨૮૪ મતદાન મથકો પૈકી ૧૪૪ મતદાન મથકને સંવેદનશીલ અને ૪ને અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે. ચારેય અતિ સંવેદનશીલ મતદાન મથક વોર્ડ-૪માં આવે છે. વોર્ડ-૪માં સે-૨૦,૨૯, પાલજ, બાસણ, બોરીજ, ઈન્દ્રોડા અને ધોળાકુવાનો સમાવેશ થાય છે. વોર્ડ-૯માં સૌથી વધુ મતદાર મતદાર યાદી મુજબ સૌથી વધુ મતદાર વોર્ડ-૯માં ૨૩૩૧૦૬ અને સૌથી ઓછા મતદાર વોર્ડ-૧માં ૧૮૮૨૫ નોંધાયેલા છે. મનપા ચૂંટણી માટે કુલ ૧૬૨ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાં સૌથી વધુ ૨૦ ફોર્મ વોર્ડ-૧ (રાંધેજા, સે-૨૫, ૨૬)માં ભરાયા છે. આ વિસ્તારમાં ત્રણ મુખ્ય પક્ષના ૧૨ ઉમેદવારો ઉપરાંત ૮ અપક્ષ ઉમેદવારોએ પણ ઝંપલાવ્યું છે. આ વોર્ડમાં હાર-જીતનો મદાર અપક્ષ ઉમેદવારો પર હોવાનું મનાય છે. બીજી તરફ કોર્પોરેશનની ચૂંટણીની સાથે તાલુકા પંચાયતની મોટી આદરજ માટે પણ આજે મતદાન પ્રક્રિયા છે. આ ચુંટણીમાં ભાજપ – કોંગ્રેસ વચ્ચે ટક્કર થવાની છે. જેમાં સાડા આઠ હજાર મતદારો બે ઉમેદવારોનાં ભાવિ નક્કી કરશે. ગાંધીનગર તાલુકા પંચાયતની આદરજ મોટી બેઠકના સદસ્ય જિલ્લા પંચાયતમાં ચુંટાઇ આવતાં આ બેઠક ખાલી પડી હતી. જેની પણ પેટાચુંટણી સાથે સાથે યોજાઇ રહી છે. આ આદરજ મોટી બેઠક માટે આજે મતદાન પ્રક્રિયા છે. જ્યારે માણસા નગરપાલિકા વોર્ડ નં.૪ની પેટાચુંટણી પણ યોજાઇ રહી છે. ગાંધીનગર મનપાની ચૂંટણી માટે મતદાન શરૂ થઇ ચુક્યું છે. સેક્ટર-૧૫ વોર્ડ-૬માં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આચારસંહિતાનો ભંગ કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે અને પોલીસે પાર્ટીના ૫૦ જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી છે. ટોપી પહેરીને આવેલા આપના કાર્યકર્તાઓ પાસે આઇકાર્ડ માંગવામાં આવ્યા હોવાના પણ અહેવાલ છે. સેક્ટર ૨૪માં ભાજપના કાર્યકરો ભાજપનો ખેસ પહેરીને આવતા હોબાળો મચ્યો હતો. કોંગ્રેસે વિરોધ કરતા ભાજપના કાર્યકરોએ ખેસ ઉતાર્યો હતો. વોર્ડ ૫ હેઠળ આવતા સેક્ટર ૨૨ નાં ૧૦૦થી વધુ મતદારોના નામ યાદીમાંથી ગુમ થવાની બાબતે હોબાળો મચ્યો છે.
