રાજયના ચૂંટણી પંચ તરફથી તા.૨૨/૧૧/૨૦૨૧ના રોજ પ્રસિધ્ધ કરાયેલ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓના ચૂંટણી કાર્યક્રમ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં તા.૧૯/૧૨/૨૦૨૧ના રોજ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે.
ચૂંટણીના દિવસે વાહનોના ઉપયોગ ઉપર દેખરેખ રાખવા અને મતદારો માટે વાહનોનો દુરઉપયોગ કરી મતદારોને અયોગ્ય રસ્તે રીઝવી ન શકાય તે હેતુથી અને જો આમ કરવામાં ન આવે તો આગામી ચૂંટણીઓ કેટલી ન્યાયી, નિષ્પક્ષ રીતે યોજાય તેનું અનુમાન ન થાય, જેની અસર સામાન્ય જનમાનસ ઉપર થાય તેમજ પ્રતિસ્પર્ધી ઉમેદવારો ઉપર પણ થાય જેના વચ્ચે મન દુઃખ થાય અને ઘર્ષણ ઉભુ થવાની પરંપૂરી સંભાવના રહે. તેથી સુલેહશાંતી ભંગ થવા સંભવ હોઈ, જે અટકાવવા તેમજ ઉક્ત ચૂંટણીનો દરમ્યાન વપરાતા વાહનોના દુરપયોગ પર નિયંત્રણ કરવા હેતુ સાવચેતીના પગલાં લેવા અનિવાર્ય જણાંતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી બી.વી.લીંબાસીયાને ક્રિમિનલ પ્રોસીજર કોડ-૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ મળેલ અધિકારની રૂઇએ નીચે પ્રમાણે જેહરનામું ફરમાવાયું છે.
જેમાં, કોઈપણ રાજકીય પક્ષો કે બિન રાજકીય પક્ષો તેના ઉમેદવારો, અપક્ષ ઉમેદવારો કે તેઓના ચૂંટણી એજન્ટ દ્વારા અથવા તેઓની સહમતીથી બીજી કોઈ વ્યકિત દ્વારા મતદાનના દિવસે. મતદારોને મતદાન મથક સુધી લાવવા અને મતદાન મથક ખાતેથી લઈ જવાની મફત સગવડ માટે વાહનો ભાડે મેળવવા અથવા એ રીતે વાહનોનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.
ચૂંટણીમાં ઉમેદવારી કરતા દરેક ઉમેદવાર મતદાનના દિવસે આ પ્રમાણે વાહન વાપરવા હકકદાર રહેશે: ઉમેદવાર તેના પોતાના ઉપયોગ માટે સમગ્ર મતદાન વિભાગ પુરત એક વાહન. આ ઉપરાંત યથા પ્રસંગ, ઉમેદવાર ના ચૂંટણી એજન્ટ અથવા કાર્યકરો અથવા તેના પક્ષના કાર્યકરોના ઉપયોગ માટે એક વાહન વાપરવા હકકદાર રહેશે.ઉપરાંત ઉપયોગમાં લેવાનાર વાહન ચૂંટણી અધિકારી પાસે નોંધણી કરાવવાનાં રહેશે અને નોંધણી કરાવેલ વાહન પરત્વેની પરમીટ તેઓશ્રી પાસેથી મેળવી તે પરમીટ વાહનની ઉપર સહેલાઈથી દેખાઈ આવે તે રીતે વિન્ડ સ્ક્રીન પર ચોંટાડવાની રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ કસુરવાર સામે પગલા લેવાની કાર્યવાહી કરવામાં આવશે. અને ગુન્હો સાબીત થયે એક માસની સાદી કેદ અથવા રૂ. ૨૦૦/- નો દંડ અથવા બન્નેની સજા થઈ શકે છે. આ જાહેરનામુ ગ્રામ પંચાયતોની ચૂંટણીવાળા વિસ્તારમાં તાત્કાલિક અસરથી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે.
