ગાંધીનગર
રાજ્ય સરકાર દ્વારા રાજ્યના શિક્ષિત યુવાઓને રોજગારી પ્રાપ્ત થાય એ માટે રોજગારીની નવી તકો ઉપલબ્ધ બનાવીને ખૂબ જ ટૂંકા સમયગાળામાં ભરતીપ્રક્રિયાનું આયોજન કરાયું છે. આ ર્નિણયના ફળસ્વરૂપે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ બનશે તેમજ આ ભરતીને લીધે પોલીસદળમાં વધુ સંખ્યામાં કર્મચારીઓ ઉપલબ્ધ થવાથી ગુજરાતના નાગરિકોને વધુ સારી પોલીસસેવા પ્રાપ્ત થશે અને રાજ્યની સુરક્ષામાં વધારો કરવા માટેના રાજ્ય સરકારનાં પગલાં વધુ બળવત્તર બનશે.રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ બને એ માટે કોવિડને કારણે પેન્ડિંગ રહેલી પોલીસ વિભાગની ભરતીની કાર્યવાહી ઝડ૫થી થાય એ હેતુથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના ગૃહ વિભાગ હસ્તક વિવિધ પોલીસ સંવર્ગની ૨૭૮૪૭ જગ્યા ભરવાનો મહત્ત્વનો ર્નિણય કરાયો છે, એમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહમંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ ટૂંકા સમયગાળામાં ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૧ને રવિવારના દિવસે ભરતી બોર્ડના અઘ્યક્ષો સાથે બેઠક યોજીને સવિસ્તૃત સમીક્ષા કરી હતી અને ભરતીપ્રક્રિયા ઝડ૫થી પૂર્ણ કરવા માટે તમામ ભરતી બોર્ડના અઘ્યક્ષોને જરૂરી આદેશો કર્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું કે રાજ્યમાં બિનહથિયારી પોલીસ સબ-ઈન્સ્પેક્ટર, હથિયારી પોલીસ સબ-ઈન્સ્પેક્ટર, ઈન્ટેલિજન્સ ઓફિસર, બિનહથિયારી આસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટર, લોકરક્ષક તથા મોટર ટ્રાન્સપોર્ટ અને વાયરલેસ જેવા ટેક્નિકલ સંવર્ગોના પોલીસ સબ-ઈન્સ્પેક્ટર અને ટેક્નિકલ ઓપરેટર તથા હોમગાર્ડ્સ અને ગ્રામ રક્ષકદળની મળીને અંદાજિત ૨૭૮૪૭ જગ્યા માટે ભરતીનું આયોજન આગામી ૧૦૦ દિવસમાં કરવાનો રાજ્ય સરકારે મહત્ત્વનો ર્નિણય કર્યો છે.