રાજકોટ
રાજકોટ શહેરમાં વિદેશથી આવનારા પ્રવાસીઓની સંખ્યા ૧૩૦ થઈ છે જેમાંથી હાઈરિસ્ક દેશોના પ્રવાસી ૧૬ છે. જ્યારે જિલ્લામાં આ સંખ્યા ૬૦ અને ૮ છે. જિલ્લાના તમામ પ્રવાસીઓ ટ્રેસ થઈ ચૂક્યા છે પણ રાજકોટ શહેરમાં હજુ ૨૩ પ્રવાસીઓ એવા છે જેના સરનામા મળતા નથી. શહેર કે જિલ્લામાં પ્રવાસીઓના ટેસ્ટ કરાયા છે પણ હજુ સુધી કોઇના રિપોર્ટ પોઝિટિવ આવ્યા નથી બધા નેગેટિવ છે. શહેરના વોર્ડ નં.૮માં આવેલા અમીન માર્ગ પર રહેતા ૮૭ વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમણે વેક્સિનનો એક પણ ડોઝ લીધો નથી. કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી પણ નથી. પરિવારના ૧૫ લોકોના સેમ્પલ આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવ્યા. પંદરમાંથી ચૌદ લોકોએ વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે જ્યારે એક સભ્યએ પ્રથમ ડોઝ લઈ લીધો છે. રાજકોટ જિલ્લામાં ઉપલેટા શહેરમાં રહેતા ૨૮ વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. તેમજ તેમના સંપર્કમાં આવેલા લોકોના સ્ક્રિનિંગ કરવામાં આવ્યા છે. જ્યારે જિલ્લામાં બીજાે કેસ ગોંડલ શહેરમાં ૫૫ વર્ષીય મહિલાનો છે. તેમની પણ કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. તેમના પરિવારના લોકોના સેમ્પલ લેવામાં આવ્યા જ્યારે સંપર્કમાં આવેલા અન્યના સ્ક્રિનિંગની કામગીરી કરવામાં આવી હતીજામનગરમાં ઓમિક્રોન વેરિયન્ટના કોરોના પોઝિટિવ કેસે દેખા દેતા પાડોશી જિલ્લા રાજકોટમાં દહેશથનો માહોલ છે. જામનગરમાં એલર્ટ છે અને સાથે રાજકોટમાં પણ તંત્ર સતર્ક બન્યું છે. કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરે તાબડતોબ બેઠકો બોલાવી હતી. વિદેશથી આવનારા લોકોની સંખ્યા ૧૩૦ થઈ છે. જેમાં હાઈરિસ્ક દેશોના પ્રવાસીઓ ૧૬ છે. જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુના જણાવ્યા અનુસાર રાજકોટ શહેર અને જિલ્લામાં જેટલા પણ વિદેશી પ્રવાસીઓ છે તે તમામનું સતત સ્ક્રિનિંગ ચાલી રહ્યું છે અને ટેસ્ટ પણ નેગેટિવ આવ્યા છે. આ ઉપરાંત જે લોકોની ટ્રાવેલ હિસ્ટ્રી નથી તે પૈકીના પોઝિટિવ આવેલા દર્દીઓના પણ સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલી અપાયા છે. આ સિવાય સિવિલ હોસ્પિટલમાં તબીબો સાથે બેઠક કરી છે અને તમામ તૈયારીઓ હોવાનું તેમણે જણાવ્યું છે. સોમવારે શહેર અને જિલ્લા બંનેના આરોગ્ય વિભાગ સાથે તેમજ સિવિલના તબીબો સાથે બેઠક કરીને વધુ રણનીતિ નક્કી કરાશે. રાજકોટ અને જામનગર વચ્ચેની સરહદ પર મુસાફરોના ટેસ્ટ કરવા મામલે તેઓએ જણાવ્યું હતું કે, હાલ તેની કોઇ જરૂર નથી તેનાથી લોકોમાં ભયનો માહોલ પેદા થશે. જે રીતે સરકારની ગાઈડલાઈન છે તે મુજબ જ કામગીરી થશે. મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ કહ્યું હતું કે, હાલ વેક્સિન અને ટેસ્ટિંગ પર ધ્યાન અપાઈ રહ્યું છે. શહેરમાં જે સ્થળોએ વિદેશથી પ્રવાસીઓ આવ્યા છે ત્યાં તમામનું ટેસ્ટિંગ કરાયું છે અને રિપોર્ટ નેગેટિવ છે. શહેરમાં જ્યારે અલગ અલગ સ્થળોએ ટેસ્ટ બૂથ શરૂ કરવાની જરૂર લાગે છે કે નહિ તે માટે આરોગ્ય વિભાગ તેમજ અધિકારીઓ સાથેની બેઠક બોલાવીને ર્નિણય લેવાશે.


