અમદાવાદ: આનંદનગર વિસ્તારમાં રહેતી મહિલાને જુહાપુરાના ઇલેક્ટ્રીશિયન રમઝાન ઘાંચીએ પિન્ટુ ઠાકોર નામ ધારણ કરી પ્રેમજાળમાં ફસાવી હતી. મહિલાને જુહાપુરા, આનંદનગર, સાણંદના તેલાવ ગામ અને માઉન્ટ આબુ સહિતના સ્થળોએ લઈ જઈ અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. પિન્ટુ ઠાકોરનું અસલી નામ રમઝાન હોવાનો ખુલાસો થતા મહિલાએ આ બાબતે પૂછપરછ કરતા આરોપી ઉશ્કેરાયો હતો. રમઝાને યુવતી સાથે માણેલી અંગતપળોના વીડિયો અને ફોટો વાયરલ કરવાની ચીમકી આપી જાનથી મારવાની ધમકી આપી હતી. બનાવ અંગે આનંદનગર પોલોસે ગુનો દાખલ કરી આરોપીને ઝબ્બે કર્યો છે.આનંદનગર પોલીસ સ્ટેશનમાં કાવ્યા (નામ બદલ્યું છે) એ આરોપી રમઝાન ઉર્ફ પિન્ટુ ઠાકોર ઇકબાલ ઘાંચી (ઉં,23) રહે, જુહાપુરા, અમદાવાદ વિરૂધ્ધ દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ 31 વર્ષીય કાવ્યા તેની 13 વર્ષની પુત્રી સાથે પતિ જોડે મનમેળ ન હોવાથી અલગ રહે છે. કાવ્યએ ઇલેક્ટ્રિક કામ માટે ઘરે યુવકને બોલાવ્યો હતો. તે સમયે યુવકે કાવ્યાને પોતાનું નામ પિન્ટુ ઠાકોર હોવાનું જણાવ્યુ હતું. દરમિયાન ફરીવાર ફ્રીજ બગડતા કાવ્યાએ પિન્ટુને ફોન કર્યો હતો.તે પછી ફોન વાતચીત ચેટિંગ શરૂ થયું હતું. દરમિયાન કાવ્યા અને પિન્ટુ એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. દરમિયાન કાવ્યાને પિન્ટુએ માઉન્ટ આબુ, સાણંદના તેલાવ ગામ, ગોપાલ આવાસ અને જુહાપુરા સ્થિત મકાને લઈ જઈ અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. દરમિયાન કાવ્યાને જાણ થઈ કે તે જેણે પિન્ટુ સમજી પ્રેમ કરે છે તેનું અસલી નામ રમઝાન ઘાંચી છે.
કાવ્યાએ આ બાબતે પૂછતાં રમઝાન ઉર્ફ પિન્ટુ ઉશ્કેરાયો હતો. રમઝાને કાવ્યાને તેઓ વચ્ચેની અંગત પળોના વીડિયો અને ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. આ બાબતે કોઈને વાત કરી તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. આ બનાવ અંગે આનંદનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આનંદનગર પોલીસ સ્ટેશનના પીઆઈ જે.બી.અગ્રાવતે જણાવ્યું હતું કે, આરોપી રમઝાને હિન્દૂ નામ ધારણ કરી મહિલાને પ્રેમજાળમાં ફસાવ્યાનો ભોગ બનનારે જણાવ્યું હતું. દુષ્કર્મના આરોપી રમઝાન ઉર્ફ પિન્ટુ ઠાકોર પોલીસ નજરે હેઠળ છે. કોવિડ રિપોર્ટ બાદ અટક કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે.