ગોંડલ,
ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળી અને મરચાની બમ્પર આવક થઇ છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા ગોંડલ યાર્ડની બહાર મગફળી અને મરચા ભરેલા વાહનોની લાંબી લાઇન લાગેલી છે. કડકડતી ઠંડીમાં ખેડૂતો ગત રાતથી જ ડુંગળી અને મરચા વેચવા માટે યાર્ડમાં આવી ગયા છે. પરંતુ આવક વધી જતા યાર્ડમાં મગફળી અને મરચા ઉતારવાની પણ જગ્યા રહી નથી. ગોંડલ માર્કેટ યાર્ડમાં દરવાજા બહાર ચારથી પાંચ કિમી લાંબી મરચા ભરેલા વાહનોની લાંબી લાઇન લાગી હતી. આજે યાર્ડમાં ૧૫-૨૦ હજાર ભારી મરચાની આવક થઇ છે.આજે ૨૦ કિલો મરચાનો ભાવરૂ.૫૦૦થી રૂ.૨૮૦૦ સુધી બોલાયો છે.
ગોંડલ માર્કેટ યાર્ડમાં ૧ લાખ ૭૫ હજાર બોરી મગફળીની આવક થઇ છે. ૨૦ કિલો મગફળીનો ભાવ રૂ.૯૦૦થી રૂ.૧૨૦૦ સુધી બોલાયો છે.તેમજ મગફળી ભરેલા વાહનોએ યાર્ડ બહાર લાંબી લાઇન લગાવી છે.
