આઠ સેશન સાઇટનું નિર્માણ કરાશે
જામનગર તા.૧૨ જાન્યુઆરી,કોવિડ વેક્સિનેશન માટેની લોકોની રાહનો અંત હવે નજીકમાં છે. આજરોજ વેક્સિન ગાંધીનગર ખાતે પહોંચી ગઈ છે. આગામી દિવસોમાં વેક્સિનેશન માટેના પ્રથમ તબક્કાનો શુભારંભ થશે. આ અંગે કલેકટરશ્રી રવિશંકરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં વેક્સિનેશન માટેના સ્થળ, લાભાર્થીઓની સંખ્યા, વેક્સિનેટર ડોક્ટરો વગેરે સંપૂર્ણ વેક્સિનેશનની વ્યવસ્થાઓના આયોજન વિશે ચર્ચા કરાઇ હતી.
આ તકે કલેકટરશ્રી રવિશંકરે જણાવ્યું હતું કે, સૌથી પહેલા હેલ્થ કેર વર્કર્સને વેક્સિન આપવામાં આવશે. આ માટેના આઠ સેશન સાઈટ નક્કી કરવામાં આવ્યા છે. આ સાથે જ કઇ વ્યક્તિને કયા દિવસે વેક્સિન લેવાની છે તે માટેની પણ ચર્ચાઓ કરાઈ, કયા સ્થળ ઉપર વેકિસનેશન કરવામાં આવશે, કોઈપણ વ્યક્તિને જો આડઅસર થાય તો એ માટે એ.ઈ.એફ.આઇ. મેનેજમેન્ટ દ્વારા શું સુવિધાઓ છે? શું તૈયારીઓ છે? તે બાબતો પર બેઠકમાં ચર્ચા કરાઈ છે.
સાથે જ કલેક્ટરશ્રીએ ઉમેર્યું હતું કે, આ વેક્સિન એકદમ સુરક્ષિત છે, જે વ્યક્તિઓના કોવિન સોફ્ટવેરમાં નામ નોંધાવ્યા છે તેમને વેક્સિન આપવામાં આવશે. આ માટેની સંપૂર્ણ તૈયારીઓ જામનગર જિલ્લા કક્ષાએ થઈ ચૂકી છે.
જામનગર ખાતે ૩૦૦૦ થી વધુ ડોક્ટરો, આરોગ્ય કર્મીઓની યાદી ઉપલબ્ધ છે જેમને પ્રથમ તબક્કે વેક્સિન આપવામાં આવશે. પ્રથમ તબક્કે ૮ સેન્ટર જેમાં પાંચ કોર્પોરેશન અને ત્રણ પંચાયત વિસ્તારના સેન્ટર ઉપર વેક્સિન આપવામાં આવશે. જેમાં કોર્પોરેશન વિસ્તારના જામનગર શહેરના જી.જી હોસ્પિટલ, નીલકંઠનગર, કામદાર કોલોની તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધ્રોલ, કાલાવડ અને લાલપુરમાં વેક્સિન માટે કેન્દ્ર નિર્માણ કરાશે તેમ જિલ્લા સમાહર્તાશ્રીએ ઉમેર્યું હતું.
આ બેઠકમાં કમિશનર શ્રી સતીશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિપિન ગર્ગ, જી.જી.હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ શ્રી ડો.તિવારી, એડિશનલ સુપ્રિન્ટેન્ડેન્ટશ્રી ડો.વસાવડા, ડીન શ્રી ડો.નંદિની દેસાઈ, અધિક ડીન શ્રી ડો. ચેટરજી વગેરે ડોક્ટરો-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦
