ભારત સરકારના અસંગઠિત શ્રમયોગી સામાજિક સુરક્ષા અધિનિયમ-૨૦૦૮ની કલમ ૧૦ હેઠળની જોગવાઈ મુજબ રાજ્યના અસંગઠિત શ્રમયોગીની નોંધણી માટે I-SHARAM પોર્ટલની રચના કરવામાં આવેલ છે. જે અન્વયે અસંગઠિત શ્રમિકો જેવા કે બાંધકામ ક્ષેત્ર, ખેતી, મનરેગા, માછીમારી, આશા બહેનો, આંગણવાડી વર્કરો, ફેરિયાઓ, ઘરેલું કામદારો, રિક્ષા ડ્રાઇવર, દૂધ મંડળીના સભ્યો તેમજ આવા અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતાં ૧૬ થી ૬૦ વર્ષની વચ્ચેની ઉંમર ધરાવતા તથા ઈ.પી. એફ.ઓ./ઇ.એસ.આઇ.સી.ના સભ્ય ન હોય તેમજ આવકવેરો ન ચૂકવતા હોય તેવા દરેક અસંગઠીત શ્રમયોગીઓએ સરકારી સહાયનો લાભ મળી રહે તે માટે ભારત સરકારના ઇ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરાવવા મદદનીશ શ્રમ આયુક્ત જામનગર દ્વારા અપીલ કરવામાં આવે છે.
આ નોંધણી કરાવવા માટે શ્રમયોગીઓ દ્વારા આધાર નંબર, આધાર કાર્ડ લીંક હોય તેવો મોબાઈલ નંબર તથા બેન્ક એકાઉન્ટ નંબર, બેંકના I.F.S.C કોડ સાથે નજીકના કોમન સર્વિસ સેન્ટર (સી.એસ.સી કેન્દ્ર) ખાતે નોંધણી કરાવવી તેમજ દરેક શ્રમયોગી પોતાના ફોન પર થી www.eshram.gov.in પર જઈ જાતે નોંધણી પણ કરાવી શકશે તેમ મદદનીશ શ્રમ આયુક્ત, જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે.
