શહેરમાં જાહેરમાર્ગો પર મંજૂરી વગર ગેરકાયદેસર રીતે ફાયરસેફ્ટીના સાધનો વગર ફટાકડાનું વેંચાણ કરતા દુકાનો-સ્ટોલ પર તંત્ર કાર્યવાહી કરશે કે પછી મોટી દુર્ઘટનાની રાહ જોશે
અંધકાર પર પ્રકાશનો વિજય સમા દિવાળીનો પવિત્ર તહેવારના આગમનને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે બાળકો, યુવાનો અંધકારને આતશબાજીના પ્રકાશથી દૂર કરવા માટે થાનગની રહ્યા છે અને ફટાકડા, રોકેટ વગેરેની ખરીદી કરી રહ્યા છે ત્યારે જેતપુર શહેરમાં જાહેરમાર્ગો પર, ગીચ વિસ્તારમાં, હોસ્પિટલ, બેન્ક, પેટ્રોલપંપ નજીક જ આગ ઓલવવાના સાધનો કે તંત્ર પાસેથી ફાયર એન.ઓ.સી. મેળવ્યા વગર જ ફટાકડાનું વેંચાણ કરતા દુકાન/સ્ટોલ બિલાડીના ટોપ માફક ફૂટી નીકળ્યા છે. ત્યારે જેતપુર શહેરમાં ફટાકડાની દુકાનમાં આગ લાગવાના બનાવ બનશે અને જાનહાની થશે તો જવાબદાર કોણ? તે એક મુખ્ય પ્રશ્ન છે.
જેતપુર શહેરના મુખ્ય માર્ગ જેવા કે જુનાગઢ રોડ, ધોરાજી રોડ, જૂના પાંચપીપળા રોડ, બસસ્ટેન્ડ રોડ, એમ.જી.રોડ, સ્ટેશન રોડ, જગાવાળા ચોરા, બોખલા દરવાજા, ચાંદની ચોક, કણકિયા પ્લોટમાં હોસ્પિટલ, બેન્ક વગેરેની આજુબાજુમાં ફટાકડાની દુકાનો/સ્ટોલ અને ગોડાઉન બનાવી અમુક તકવાદીઓ ફટાકડાનાં વેચાણ કરવા માટે બેસી ગયા છે ત્યારે મુખ્ય માર્ગ ઉપર પેટ્રોલ, એલ. પી.જી. કે સી.એન.જી. વાળાં વાહનો પસાર થતાં હોય ત્યારે દુર્ઘટના સર્જાવાની શક્યતા પૂરેપૂરી હોય છે.
આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં જેતપુર શહેરમાં માત્ર ૫ જગ્યાને કાયમી ધોરણે ફટાકડા વેચાણ લાયન્સ ઈશ્યુ કરવામાં આવ્યા છે અને હંગામી ધોરણે ફટાકડાનાં વેચાણ કરવા માટે સ્ટોલ/દુકાન શરૂ કરવાની 23 અરજીઓ આવી છે ત્યારે ઠેર-ઠેર ફટાકડાના દુકાન/સ્ટોલ બિલાડીના ટોપની માફક ફૂટી નીકળી છે.
ફટાકડાના વેંચાણ માટે જે લાયન્સ ઈશ્યુ કરવામાં આવ્યા છે તે અને બીજા ઘણા ફટાકડાની દુકાન/સ્ટોલ બેરોકટોક ફાયરસેફ્ટીના સાધનો વગર તંત્રની મીઠી નજર તળે ધમધમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અન્યથા તંત્રને પગલાં ભરવામાં કોની લાજ શરમ આડી આવે છે તેવો પ્રશ્નો એ જાગૃત નાગરિકોમાં ચર્ચા જગાવી છે.
સરકારના પરિપત્ર મુજબ રહેણાંક વિસ્તાર, ગીચ વિસ્તારમાં ફટાકડા વેંચાણ પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં ફટાકડાના વિક્રેતાઓ નિયમોનું ઉલ્લંઘન કરી બે રોકટોક ફટાકડાનું વેંચાણ કરી તંત્રને ખુલ્લો પડકાર ફેંકી રહયાં છે.
ફટાકડાનું વેંચાણ કરતા વિક્રેતાઓએ કેટલાં ફટાકડાનો સંગ્રહ કરી કર્યો છે?, એન.જી.ટી. ના આદેશ અનુસાર ચાઈનીઝ ફટાકડાનો સંગ્રહ/વેંચાણ થાય છે કે નહિ?, આગ અકસ્માત સામે સાવચેતી માટે દુકાન/સ્ટોલનો વિમો ઉતરાવેલ છે કે નહિ? અગ્નિશામક સાધનો વસાવેલ છે કે નહિ? લાયન્સ અંગેની અન્ય શરતોનું ચૂસ્તપણે પાલન થાય છે કે નહીં? ફટાકડા વેચાણ સ્થળનું ઈલેક્ટ્રીક વેરીફીકેશન પ્રમાણપત્ર વિજતંત્રને માન્ય છે કે નહિ? ફટાકડાની દુકાન/સ્ટોલમાં હેલોજન કે અમુક પ્રકારના બલ્બ લગાડવાની મનાઈ છે તેમ છતાં લગાડવામાં આવ્યા છે કે નહિ?, ૧૦×૧૦ ચોરસફૂટના માપના અનુસંધાને ૧ એવો ૬ કીલોગ્રામનો ડી.સી.પી. પ્રકારનો વેરીફાઈડ એક્સિટીગયુસર લગાડેલ છે કે નહિ, ૧૦૦ લીટર પાણીનો બેરલ, ૨ રેતી ડોલ ફરજિયાત પણ રાખવામાં આવેલ છે કેમ…! જેવા અનેક નિયમોનું પાલન થાય છે કે નહિ તે જોવા તંત્રને સમય મળતો નથી તેથી જ નિયમોને નેવે મૂકીને ફટાકડા વિક્રેતાઓ પોતાની મનમાની કરી રહયાં છે ત્યારે અધિકારીઓ આ બાબતે ખરેખર અજાણ છે કે પછી આંખ આડા કાન કરી રહ્યા છે તે પણ એક પ્રશ્ન છે. લાખો રૂપિયાના ફટાકડા ભરી લેનાર ફટાકડા વિક્રેતાઓ તંત્ર પાસે પરવાનગી શા માટે માંગતા નથી તે મુદ્દો પણ ટોક ઓફ ઘી ટાઉન બન્યો છે.
આ તકે તંત્ર દ્વારા કોઈ પણ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા સત્વરે પગલાં ભરી ગેરકાયદેસર ફટાકડા વેંચતા વિક્રેતાઓનો માલ જપ્ત કરી, લાયસન્સ ધરાવતા અને શહેરના ગીચ વિસ્તારમાં ફટાકડાનું વેંચાણ કરતા ફટાકડા વિક્રેતાઓને ખુલ્લો પ્લોટ ફાળવી, જરૂરી ફાયરસેફટીની વ્યવસ્થા કરી એક જ જગ્યાએ ફટાકડાનું વેંચાણ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે તો ગ્રાહકો પણ એક જ જગ્યાએથી ફટાકડા ખરીદી કરી શકે તેમ છે.


