Gujarat

જૂનાગઢ : કિસાન સુર્યોદય યોજના અંતર્ગત ખેડૂતોને માંગરોળના 17 ગામોમાં દિવસે વિજળી આપવાનો પ્રારંભ

માંગરોળ તાલુકાના ૧૦ ફીડરનાં ૧૭ ગામના ખેડુતોને કિસાન સુર્યોદય યોજના અંતર્ગત દિવસે વિજળી આપવાનો પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ સાંસદ રાજેશભાઇ ચુડાસમા, ધારાસભ્ય દેવાભાઇ માલમનીની ઉપસ્થિતિમાં શીલ ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો. માંગરોળ તાલુકાના કાલેજ, વિરોલ, મેખડી, બામણવાડા, ઝરીયાવાડા, દિવાસા, સાંગાવાડા, ચાખવા, ફરંગટા, નગીચાણા, નાંદરખી, શીલ, તલોદ્રા, લોએજ, સરસાલી, દિવરાણા અને કંકાણાનો સમાવેશ થાય છે. માંગરોળ તાલુકાના બાકીના ગામોના ખેડૂતોને પણ તબકકાવાર દિવસે વિજ પુરવઠો મળતો થશે.

છેલ્લા પાંચ વર્ષ દરમિયાન માંગરોળ તાલુકામાં ૩૫૬૩ નવા ખેતિ વિષયક વિજ જોડાણ અપાયા છે, તેમ જણાવી મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ કહયુ કે, વર્તમાન સરકાર ખેડૂતોના સર્વાગી વિકાસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. કૃષિ વિજ જોડાણ, સિંચાઇની સવલત, ટેકાના ભાવે ખેત ઉત્પાદનોની ખરીદી, વિશેષ રાહત સહાય પેકેજ, અકસ્માત વિમા યોજના, પ્રધાનમંત્રી ખેડૂત સમ્માનનિધિ સહિતની ખેડૂતો સબંધિત તમામ બાબતોને પ્રાધાન્ય આપવામાં આવે છે. કિસાન સુર્યોદય યોજનામાં પણ જૂનાગઢ, ગીર સોમનાથ અને દાહોદ જિલ્લાને પ્રાધાન્ય આપવામાં આવ્યુ છે.

આ વિગતો આપતા ઉમેર્યુ કે, દિવસે વિજ પુરવઠો આપવા માળખાગત વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. તબકકાવાર રાજયના તમામ ગામોમાં ખેડૂતોને દિવસે વિજ પુરવઠો મળતો થશે. જાન્યુઆરી માસના અંત સુધિમાં રાજયના ૪૦૦૦ ગામમાં દિવસે વિજ પુરવઠો મળતો થશે. તેમ મંત્રીશ્રીએ કુંવરજીભાઇએ ઉમેર્યુ હતુ. સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમાએ ખેડૂતોના હિતની બાબત હોય ત્યારે સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી નિર્ણય લેવામાં એક પળનો પણ વિલંબ કરતા નથી તેમ જણાવી કહયુ કે, ગામડાનો વિકાસ ખેડૂતોનો વિકાસ સમગ્ર સમાજહિત માટે વર્તમાન સરકાર પ્રતિબધ્ધ છે.

ધારાસભ્યશ્રી દેવાભાઇ માલમે ખેડૂતોને દિવસે વિજ પુરવઠો મળતા પાણીનો બગાડ અટકશે. ખેડૂતોને પાણી વાળવા માટે રાત ઉજાગરા બંધ થશે. આ પ્રસંગે ખેડુત અગ્રણીઓએ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાનું વિશેષ સન્માન કર્યુ હતુ. કાર્યક્રમના પ્રારંભે પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર લાખાણીએ સ્વાગત પ્રવચન કર્યુ હતુ. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ તેજાભાઇ કરમટા, અગ્રણી ભગવાનજીભાઇ કરગઠીયા, દાનાભાઇ બાલસ, પરબત જોટવા, પ્રાંત અધીકારી રેખાબા સરવૈયા, ખેડૂતો પીજીવીસીએલ અને જેટકોના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.આભારવિધિ જેટકોના અધિક્ષક ઇજનેર વૈષ્નાણીએ અને કાર્યક્રમનું સંચાલન રમેશભાઇ જોષીએ કર્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *