જેતપુર હાઈવે પર આવેલ ‘હરિ ઓમ વૃદ્ધાશ્રમ’ના આંગણે આગામી શ્રીમદ ભાગવત કથાના આયોજનના ભાગરૂપે જ્ઞાતિ પૂર્વ પ્રમુખ ભીખુભાઈ જોશીના માર્ગદર્શન તળે જ્ઞાતિ અગ્રણીઓની ઉપસ્થિતિ વચ્ચે મિટિંગનું આયોજન કરવામાં આવેલ.
વડીલોનો વિસામો એવા વૃદ્ધાશ્રમ સંસ્થાના કર્તા, હર્તા, સમાહર્તા એવા સેવાના સાચા ભેખધારી કાળુભાઈ જોશીદાદા પોતાના પરિવાર સાથે વૃદ્ધોની સેવામાં પોતાનું જીવન વ્યતિત કરી રહ્યા છે. જોશી દાદાના દરરોજના સત્સંગના માધ્યમથી વૃદ્ધનું એકલવાયું દૂર થઈ ગયેલ, વૃદ્ધોના જીવનમાં એક નવો ઉજાસ પથરાય તેવા સતત પ્રયત્નો કરી રહ્યા છે.
આજરોજ જ્ઞાતિ સમુદાય સાથે મળેલ મિટિંગના અનુસંધાને ભાગવત કથા પ્રારંભ સંભવિત તા. ૨૩-૩-૨૦૨૨ નક્કી થયેલ છે. અમેરિકા સ્થિત ભાગવત કથાકાર શ્રી રમેશભાઈ મહેતા સુર, સંગીત અને સાજીંદાઓ સાથે વ્યાસપીઠ ઉપરથી કથાનું રસપાન કરાવશે.
શ્રીમદ ભાગવત સપ્તાહ ના ભાગરૂપે કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવા માટે તા.૧૫-૧૨-૨૦૨૧ ના રોજ સમય ૩ થી ૬ કલાક સુધી હરિઓમ વૃદ્ધાશ્રમ આશ્રમના પરિસરમાં જ્ઞાતિ બંધુઓની મિટિંગ રાખવામાં આવેલ છે. તો આ કાર્યક્રમને દિપાવવા, સેવાનો લાભ લેવા તમામ જ્ઞાતિ બંધુઓને જોશી દાદા તથા ભીખુભાઈ જોશી નમ્ર અનુરોધ કરે છે. માટે મિટિંગમાં સમયસર પધારી સેવાના યશભાગી બનશો.
ઉપરોક્ત શ્રીમદ ભાગવત કથાના સ્પષ્ટ હેતુ સાથે જણાવતા જોશીદાદા જણાવે છે કે સમગ્ર રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના કોરોના કાળમાં અવસાન પામેલ સ્વજનોના દિવંગત આત્માના કલ્યાણ અર્થે, સમાજને યોગ્ય દિશા મળે, સત્સંગથી સમાજ જીવન સુધરશે, કામ કરનાર તથા દાન કરનારને તક મળશે, સંસ્થાના આશ્રિત વૃદ્ધ માતા-પિતા પોતાના જીવનના સત્સંગ રૂપી ભાથું બાંધવાના ઉદ્દેશ સાથે આ ભગીરથ કાર્યમાં જોડાવા, સેવાનો લાભ લેવા તમામને અનુરોધ કરેલ છે. કથાનો લક્ષ્ય જ્ઞાતિને તમામ દિશાઓમાં આગળ વધવાનું આહવાન કરેલ.
મિટિંગના સમાપન સાથે સંસ્થામાં પ્રસાદ ગ્રહણ કરી રાત્રી સેશનમાં સંતવાણીના કાર્યક્રમમાં ઉપસ્થિત વૃધ્ધો, યુવાનો, માતાઓ, બહેનોને સંતવાણીના મુખ્ય કલાકાર મનસુખભાઈ વસોયાએ જીવનના મૂલ્યો સાથે જિંદગી માણવાની હૃદયસ્પર્શી વાતો કરેલ. સાથોસાથ કલાકાર વિપુલભાઈ પટેલ, જગદીશ ભાઈ મેર ,મણીભાઈ મહેતાએ સંતવાણીનો દોર આગળ ચલાવેલ.
ઉપરોક્ત કાર્યક્રમમાં ઉપસ્થિત જ્ઞાતિબંધુઓ ભુપતભાઈ મહેતા, ભાનુભાઈ જોશી, લક્ષ્મીકાંતભાઇ મહેતા, અજયભાઈ તેરૈયા, અમિતભાઈ વેગડા, બિપિનભાઈ જોશી, દેવાંગભાઈ રવિયા, રાજુભાઈ વરડાંગર,ભરતભાઈ દવે, વરિષ્ઠ પત્રકાર સી.વી.જોશી, ગૌરીશંકરભાઈ જોશી, મહિલા વિચારક્રાંતિ અભિયાનના સક્રિય એડમીન ગુણવંતીબેન દવે, વિજયભાઈ તેરૈયા, ધનસુખભાઈ મહેતા તથા જેતપુર શહેરના બહોળી સંખ્યામાં જ્ઞાતિબંધુઓ ઉપસ્થિત રહેલ
હરેશ ભાલીયા જેતપુર


