જેતપુર શહેર-તાલુકાના ૩૧૨૮૫ જેટલાં ગ્રહકોમાંથી અડધા ઉપરાંતના ગ્રાહકોને મહિનો પૂરો થવા આવ્યો છતાંય હજુ રાહત ભાવની દુકાનોમાંથી અનાજ પુરવઠો મળ્યો નથી. અને દુકાનોમાં પણ ક્યારે આવે તે હજુ નક્કી ન હોવાથી વીસેક હજાર જેટલા ગ્રાહકોની દિવાળીએ સસ્તા અનાજના પુરવઠાનો દુષ્કાળ સર્જાયો છે.
સરકાર દ્વારા ગરીબોને પંડિત દીનદયાળ ઉપાધ્યાય રાહત ભાવની દુકાનો દ્વારા સસ્તા ભાવે અનાજ પુરવઠો વિતરણ કરવામાં આવે છે. જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા કોરોના કાળથી સરકારે નિર્ધારિત કરેલ જથ્થો નિઃશુલ્ક આપવામાં આવે છે. જેમાં જેતપુર શહેર-તાલુકાની ૭૫ જેટલી દુકાનોના ૩૧૨૮૫ ગ્રાહકો દર મહિને અનાજ પુરવઠો મેળવતા હોય છે. ઘણી વાર પુરવઠો વેલા મોડો થતો હોય છે પરંતુ ચાલુ સપ્ટેમ્બર મહિના પૂરો થવા આવ્યો છતાંય અડધા ઉપરાંત ગ્રાહકોને રાહત ભાવની દુકાનોમાં પુરવઠો મળ્યો નથી. આ અંગે પૂરવઠાના સરકારી ગોડાઉને જઈને ગોડાઉનના મદદનીશ મેનેજર રામેશકુમાર ખાણીયાને પૂછતાં તેઓએ જણાવેલ કે, હજુ પુરવઠો ગોડાઉનમાં જ નથી આવ્યો. ગોડાઉનમાં આવે તો દુકાનદારોને મળે, અને દુકાનદારોને મળે તો ગ્રાહકોને આપેને ? પુરવઠો લગભગ ત્રીસ તારીખ સુધીમાં કદાચ આવી જશે. જ્યારે ત્રીસ તારીખે પુરવઠો આવે તો દુકાનદારોને ઓનલાઈન વિતરણ કરવાનું હોય, અને મહિનો બદલી જાય તો વિતરણ થઈ શકે કે નહીં ? તે અંગે પૂછતાં તેઓએ જણાવેલ કે, સરકાર ઓફલાઇન વેચાણની મંજૂરી આપે તો જ થઈ શકે નહીંતર તે પુરવઠો દુકાનમાં પડ્યો રહે.
બીજીબાજુ દિવાળી જેવો તહેવાર આવી ગયો છતાંય હજુ પુરવઠાનું નામોનિશાન ન હોવાથી ગ્રાહકોની દિવાળી મંદીના મારથી તો બગડી જ છે. ઉપરથી પુરવઠા શાખાએ પણ પડ્યા પર પાટુ મારી જેવા હાલ કર્યા છે.
નવાગઢ આવેલ પુરવઠાના ગોડાઉનમાંથી ચાર પાંચ દિવસ પૂર્વે અનાજનો જથ્થો ચોરવાનો પ્રયાસ પણ થયો હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે મેનેજરે જણાવેલ કે ગોડાઉનના પરપ્રાંતીય મજૂરો હતા તેઓએ ચોરીનો પ્રયાસ કરેલો પણ કંઈ ચોરાયું ન હતું.
વિક્રમસિંહ ચુડાસમા જેતપુર


