-
આણંદ શહેરના લોટીયા ભાગોળ વિસ્તારમાં રોજેરોજ સાફ-સફાઇ થાય છે- જિલ્લા કલેકટર
-
આણંદ જિલ્લા કલેકટરે ગુજરાત રાજય માનવ અધિકાર આયોગમાં રજૂ કર્યો અહેવાલ
-
લોટીયા ભાગોળ ખાતે આવેલ ડો.બાબા સાહેબની પ્રતિમા આગળ ગંદકીના મુદ્દે થઇ હતી ફરિયાદ
ગાંધીનગર:
આણંદ લોટીયા ભાગોળ ખાતે આવેલ ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા આગળ ગંદકીના મુદ્દે કાંતિલાલ પરમારે ફરિયાદ કરી હતી. જેના આધારે રાષ્ટ્રીય અનુસૂચિત આયોગ દ્વારા આંણદ નગરપાલિકાના ચીફ ઓફિસર બાદ આણંદ જિલ્લા કલેકટર તથા જિલ્લા મેજીસ્ટ્રેટે પોતાનો જવાબ માનવ અધિકાર આયોગ સમક્ષ રજૂ કર્યો છે. આ બંને જવાબોને રેકોર્ડ પર લઇને ગુજરાત રાજય માનવ અધિકાર આયોગે ફરિયાદી કાન્તિલાલ પરમારને આ અહેવાલ બાબતે તેમને કાંઇ કહેવું હોય તો 15 દિવસમાં રજૂ કરવા નિર્દેશ કર્યો છે. જો સમયમર્યાદામાં રજૂઆત કરવામાં નહીં આવે તો આપને આ બાબતે કશું કહેવાનું નથી તેમ માની આ પ્રકરણ દફતરે કરવામાં આવશે તેમ જણાવ્યું છે.
આણંદ જિલ્લા કલેકટરે તરફથી માનવ અધિકાર આયોગ સમક્ષ રજૂ કરેલા અહેવાલમાં જણાવ્યું છે કે, આણંદ શહેરમાં આવેલા લોટિયા ભાગોળ વિસ્તારમાં ડો. બાબાસાહેબ આંબેડકરની મૂર્તિની સ્થાપના કરેલી છે. આ વિસ્તારમાં નિયમિતપણે સાફ-સફાઇ તથા ઘરે ઘરેથી કચરો ઉઘરાવવાની કામગીરી નગરપાલિકા દ્રારા કરવામાં આવે છે. પરંતુ કોઇ ઇસમો દ્વારા જાણી બુઝીને નગરપાલિકાને બદનામ કરવાના બદ ઇરાદાથી કુત્ય કરી સમાચારપત્રમાં છપાવ્યું છે. આ મૂર્તિની આજુબાજુ રોજેરોજ સફાઇ કરવામાં આવે છે. તે અંગેની તારીખ વાઇઝ કરવામાં આવેલા કામગીરી અંગેના ફોટોગ્રાફ રજૂ કરવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સ્થિત માનવ અધિકાર કાર્યકર્તા કાંતિલાલ પરમારે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ, મુખ્યમંત્રી, અને જિલ્લા કલેક્ટર સમક્ષ કરેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ આણંદ શહેરમાં લોટીયા ભાગોળ ખાતે મુકવામાં આવેલી રાષ્ટ્રીય નેતા, બંધારણના ઘડવૈયા, “ભારત રત્ન” ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખુબ જ ખરાબ સ્થિતિમાં છે. કચરાના ઢગલાં અને પ્રાણીઓના મળ-મૂત્ર તેમ જ ચારેબાજુ ગંદકીની વચ્ચે ડો.બાબા સાહેબ આંબેડકરની મૂર્તિને રાખવામાં આવેલ હતી, જ્યાં આગળ-પાછળ ફેન્સીંગ કે રેલિંગ કરેલ નથી અને મૂર્તિની ખરાબ દુર્દશા જોવા મળેલ છે.
ડો. બાબા સાહેબ આંબેડકરની મૂર્તિની આવી હાલતમાં દુર્દશા જોઈ લોકોની લાગણી દુભાઇ હતી. આ અંગે તાત્કાલિક પગલાં ભરી પ્રતિમાની આજુબાજુની ગંદકી હટાવવામાં આવે, ત્યાં રેલિંગ નાખી વાયરથી ફેન્સીંગ કરવામાં આવે તેવી માંગણી કરી હતી. આના માટે જવાબદાર તથા બેદરકારી દાખવનારા આંણદ નગર પાલિકાના જવાબદાર અધિકારીઓ અને સત્તાધીશો સામે ખાતાકીય તપાસ કરીને આઈ.પી.સી.અને એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવા અને તેમને તાત્કાલિક હોદ્દા પરથી તાત્કાલિક સસ્પેન્ડ કરવા દાદ માંગી હતી.
આ બાબતે અને રજૂઆતના અનુસંધાને રાષ્ટ્રિય અનુસૂચિત જાતિ આયોગ અમદાવાદ દ્વારા આણંદ જિલ્લા કલેક્ટર અને આંણદ નગરપાલિકાના ચીફ ઓફિસરને નોટિસ પાઠવી હતી. જેમાં જણાવ્યું હતું કે આયોગને બંધારણના આર્ટિકલ 338 મુજબ જે સત્તા આપવામાં આવેલી છે, તેનો ઉપયોગ કરી તપાસ કરવાનો નિર્ણંય કરેલ છે. આ અંગેનો ત્રીસ દિવસમાં આપના સહી સાથે અથવા રૂબરૂ હાજર થઇ અથવા સંચાર માધ્યમ દ્વારા આ મુદ્દે કરેલ કાર્યવાહીનો રિપોર્ટ અત્રેની કચેરીએ મોકલી આપવા સૂચના આપી હતી. આ સૂચનાના પગલે ચીફ ઓફીસર બાદ આણંદ જિલ્લા કલેકટર તરફથી આયોગ સમક્ષ અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે.