તારાપુર
તારાપુર અને વાસદનો આ માર્ગ ગુજરાતનો એવો પહેલો માર્ગ છે જ્યાં સિમેન્ટ, ટ્રીટેડ બેઝ, પોલિમર મોડિફાઇડ બિટ્યુનમેનનો ઉપયોગ થયો છે. ૨.૮૫ કિલોમીટરનો એલિવેટેડ ફ્લાય ઓવર પણ છે. સમગ્ર માર્ગ પર વિડીયો કેમેરા અને સ્પીડ માપન યંત્ર અને સર્વેલન્સ સિસ્ટમ રાખવામાં આવી છે. આ માર્ગ દક્ષિણ ગુજરાત વાયા મધ્ય ગુજરાત થઇને સૌરાષ્ટ્રને જાેડે છે અને તે વાસદ-બગોદરા વચ્ચેના ૧૦૧ કિલોમીટરના છ માર્ગીય હાઇવેનું પ્રથમ ચરણ છે. બીજાે માર્ગ બગોદરા થી વટામણનો છે. છેલ્લા ૧૦ વર્ષોથી આ માર્ગનું બાંધકામ ખોરંભે પડ્યું હતું. અધવચ્ચેથી માર્ગનું કામ છોડીને કંપની અને કોન્ટ્રાક્ટરો જતા રહ્યાં હોવાથી સરકારને નવા ટેન્ડર ઇસ્યુ કરવા પડ્યા હતા. છેલ્લા કેટલાક મહિનામાં કામમાં ઝડપ વધતાં તે માર્ગ પૂર્ણ થયો છે.ગુજરાતના તારાપુરથી વાસદ વચ્ચેના ૪૮ કિલોમીટરના સિક્સ લેન સ્ટ્રેચને આવતીકાલે ૭મી ઓક્ટોબરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખુલ્લો મૂકશે. આ હાઇવેના કારણે બન્ને સ્થળ વચ્ચે પહેલાં ૧૨૦ મિનિટ લાગતી હતી તે હવે ઘટીને માત્ર ૩૫ મિનિટની થઇ જશે. કોરોના સંક્રમણ અને લોકડાઉનની સ્થિતિ છતાં ટૂંકા સમયમાં આ માર્ગનું બાંધકામ પૂર્ણ થયું છે. ગુજરાત સ્થિત આરકેસી ઇન્ફ્રાબિલ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આ માર્ગ ૧૦૦૫ કરોડ રૂપિયાના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યો છે અને હવે તે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેનો ટૂંકો માર્ગ બન્યો છે. ૪૮ કિલોમીટરની લંબાઇના આ માર્ગમાં ૧૮ ફ્લાયઓવર અને ૩૮ કિલોમીટરનો સર્વિસ રોડ છે. આ માર્ગ પર ૧૨૦૦ જેટલી સ્ટ્રીટલાઇટ નાંખવામાં આવી છે. આ ધોરીમાર્ગ પર ૩૮ બસસ્ટોપ છે. આ માર્ગમાં ૨૪ અંડરપાસ અને ૧૨ લેનનો ટોલ પ્લાઝા બનાવવામાં આવ્યો છે.