નવી દિલ્હી:
દેશની રાજધાની દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વ પર ટ્રેક્ટર રેલી (Famers Tractor March) દરમિયાન ફાટી નીકળેલી હિંસા (Delhi Violence) મામલે તપાસ કરી રહેલી પોલીસે (Delhi Police) અત્યાર સુધીમાં 38 FIR દાખલ કરીને 84 લોકોની ધરપકડ કરી લીધી છે. વીડિયો, ફોટો અને CCTV ફૂટેજના આધારે પોલીસે અનેક લોકોની ઓળખ કરીને તેમની શોધખોળમાં દરોડા પાડવાની કાર્યવાહી કરી રહી છે.શનિવારે ક્રાઈમ બ્રાન્ચના ઑફિસરો FSLની બે ટીમો સાથે લાલ કિલ્લા પહોંચ્યા હતા. જ્યાં પોલીસની ટીમે તપાસ કરી, જ્યારે FSLની ટીમોએ ઘટના સ્થળ પરથી બ્લડ અને ફિંગર પ્રિન્ટ સહિતના અન્ય સેમ્પલો તપાસ માટે લીધા હતા. અનેક કલાક અહીં વીતાવ્યા બાદ તેઓ પરત ફર્યા હતા.
શનિવારે લાલ કિલ્લામાં તપાસ દરમિયાન બહાર અને અંદર અનેક ઠેકાણે થયેલી તોડફોડની ફોટોગ્રાફી કરવામાં આવી. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ એ ખાઈની ઊંડાઈ પણ માપી, જેમાં હિંસા દરમિયાન કેટલાક જવાનોને નીચે પાડી દેવામાં આવ્યા હતા, જેથી 142 જવાનો ઘાયલ થયા હતા. લાલ કિલ્લામાં તોફાનીઓના અંદર ઘૂસવાના જે વીડિયો ફૂટેજ પોલીસના હાથમાં આવ્યા છે, તેના આધારે તોફાનીઓની ઓળખ કરવામાં આવી રહી છે.
60ની પૂછપરછ, 20 અટકાયત
જ્યારે તપાસ કરી રહેલી પોલીસે અત્યાર સુધી 60થી વધુ લોકોની પૂછપરછ કરી છે અને 20 લોકોની તપાસ માટે અટકાયત પણ કરી છે. જ્યારે ફૂટેજમાં કેદ થવા પર ઓળખ કરવામાં આવેલા આરોપીઓની શોધખોળ માટે દરોડા પાડવામાં આવી રહ્યાં છે.
12 ખેડૂત નેતાઓને નોટિસ
દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચમાં 12 ખેડૂત નેતાઓને નોટિસ મોકલીને તેમને તપાસમાં સામેલ થવા માટે કહેવામાં આવ્યું છે. આ નેતાઓને એક પછી એક ક્રાઈમ બ્રાન્ચના કાર્યાલયમાં આવીને તપાસમાં સામેલ થવા જણાવાયું છે અને પોલીસના પ્રશ્નોના જવાબ આપવાના છે.
તપાસ દરમિયાન જે આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા હશે, પોલીસ તેમની ધરપકડ કરશે. હાલ તપાસ તેજ કરી દેવામાં આવી છે અને અલગ-અલગ ટીમોને તપાસની અલગ-અલગ જવાબદારી સોંપવામાં આવી છે.
1700થી વધુ વીડિયો ફૂટેજ
દિલ્હી હિંસા કેસની તપાસ દરમિયાન દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચને અત્યાર સુધીમાં કુલ 1700થી વધુ વીડિયો અને CCTV ફૂટેજ પ્રાપ્ત કર્યા છે. ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ સીપી બીકે સિંહના જણાવ્યા મુજબ, પોલીસની અપીલ બાદ સેંકડો લોકોએ પોલીસને વીડિયો અને ફૂટેજ મોકલવાનું શરૂ કરી દીધુ છે. આ વીડિયોથી પોલીસને તપાસમાં ઘણી મદદ મળશે.
બીજી તરફ બાપૂની પુણ્યતિથિ પર રાજઘાટ પર ધરણાં કરવા પહોંચેલા ખેડૂત નેતા રામપાલ જાટની અટકાયત કરવામાં આવી છે. રામપાલની સાથે તેમના 4 સાથીઓની પણ અટકાયત કરાઈ હતી, પરંતુ પાછળથી તેમને મુક્ત કરવામાં આવ્યા છે.