Gujarat

દેશમાં પેટ્રોલ અને ડીઝલ ઓલ ટાઈમ હાઈ, કિંમત 90 રૂપિયાને પાર

દેશમાં સતત સાતમા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો ઝીંકાયો હતો. દેશના કેટલાય રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત ૯૦ને પાર પહોંચી ગઈ હતી. તો ઘણાં શહેરોમાં ૯૦ની સાવ નજીક જઈને મીટર અટકી ગયું હતું. પેટ્રોલની પ્રાઈઝ સૌથી વધુ શ્રીગંગાનગરમાં ૯૯.૫૬ નોંધાઈ હતી.
દેશભરમાં પેટ્રોલની કિંમતમાં સરેરાશ ૨૫થી ૨૯ પૈસાનો વધારો થયો હતો. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલનો ભાવ સૌથી વધુ ૯૯.૫૬ રહ્યો હતો. અમદાવાદમાં પણ પેટ્રોલનો ૮૬.૨૦ અને ડીઝલનો ૮૫.૪૫ ભાવ બોલાતો હતો. દિલ્હીમાં પેટ્રોલની લીટરની કિંમત ૮૯ રૂપિયા હતી. મુંબઈમાં પેટ્રોલ ૯૫.૪૬ અને ડીઝલ ૮૬.૩૪ની કિંમતે વેંચાયા હતા.
કોલકાત્તામાં પેટ્રોલનો ભાવ ૯૦ અને ડીઝલની કિંમત ૮૩ રૂપિયા હતી. તો ચેન્નઈમાં પેટ્રોલ ૯૨ રૂપિયે મળતું હતું અને ડીઝલ માટે ૮૫ રૃપિયા આપવા પડતા હતા. જયપુરમાં ૯૫ રૃપિયા જેવો ભાવ નોંધાયો હતો. તે ઉપરાંત બેંગ્લુરુ, હૈદરાબાદ, પટણા, થિરૃવનંતપુરમ્ જેવા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ ૯૦ની નજીક રહ્યો હતો.
પ્રીમિયમ પેટ્રોલ તો દેશભરમાં ૧૦૦ને પાર પહોંચી ચૂક્યું છે. મહારાષ્ટ્રના કેટલાય સ્થળોએ પ્રીમિયમનો ભાવ ૧૦૦ વસૂલાય છે. ડીઝલના ભાવ મોટા શહેરોમાં સરેરાશ ૮૫થી ૯૦ની નજીક રહ્યા હતા. સતત સાતમા દિવસે પેટ્રોલ-ડીઝલ બંનેમાં વધારો થયો હતો.
છેલ્લાં સાત દિવસમાં પેટ્રોલમાં સરેરાશ ૨.૦૬ રૃપિયા વધ્યા હતા. તો ડીઝલમાં પણ સરેરાશ ૨.૫૬ રૃપિયાનો વધારો ઝીંકાયો હતો. આ ભાવવધારા પાછળ વૈશ્વિક માર્કેટને કારણભૂત ગણવામાં આવે છે, પરંતુ સ્થાનિક સરકારોનો ટેક્સ પણ તોતિંગ હોવાથી કિંમતનો આંકડો સતત વધતો જાય છે.
આ ભાવવધારાનો વિપક્ષોએ વિરોધ કર્યો હતો. મધ્યપ્રદેશ કોંગ્રેસના સાંસદે લોકોને અપીલ કરી હતી કે ભાવવધારાના વિરોધમાં ૨૦મી ફેબુ્રઆરીએ અડધા દિવસનું બંધ પાળીએ. મધ્યપ્રદેશ કોંગ્રેસ પ્રમુખ કમલ નાથે ટ્વીટરમાં કહ્યું હતું કે ભાજપ શાસિત રાજ્ય સરકાર ભર ઊંઘમાં છે, તેને જગાડવાની જરૃર છે. રાજ્ય સરકાર ૩૯ ટકાનો તોતિંગ ટેક્સ વસૂલે છે તે ઓછો કરે એવી માગણી પણ કમલનાથે કરી હતી.
બસપાના પ્રમુખ માયાવતીએ પણ પેટ્રોલ-ડીઝલના ભાવવધારાની ટીકા કરી હતી. માયાવતીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે પેટ્રોલ-ડીઝલમાં થઈ રહેલો ભાવવધારો સામાન્ય લોકો માટે કમરતોડ સાબિત થઈ રહ્યો છે. મજૂર વર્ગ અને મધ્યમવર્ગના લોકોને આ ભાવવધારાથી ભારે મુશ્કેલી પડી રહી છે. આવા મહત્વના મુદ્દે સરકાર મૌન છે અને બીજા બધા મુદ્દા ઉભા કરીને લોકોને ગેરમાર્ગે દોરે છે.

content_image_dc45cb71-64e2-4844-8052-ec4f199dc751.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *