ધ્રોલની ગોકુલ પાર્ક સોસાયટીમાં પાલિકાએ વરસાદી પાણીના નિકાલનું પુલીયુ બનાવ્યા વિના રોડનું કામ શરૂ કરતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. રોડ બની જતા વરસાદી પાણીના નિકાલની સમસ્યા ઠેરની ઠેર રહેશે આથી રહીશોમાં આક્રોશની લાગણી ફેલાઇ છે. ગોકુલપાર્ક સોસાયટીમાંથી વર્ષોથી વરસાદી પાણીનો નિકાલ બાજુમાં આવેલા રાજાશાહી વખતનાં તળાવમાં થાય છે.
પરંતુ યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાથી દરવર્ષે સોસાયટીમાં વરસાદી પાણી લોકોનાં ઘરોમાં ઘુસી જતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ વર્ષે તળાવની પાળ પાસેથી અંદાજે ૩૦ લાખનાં ખર્ચે રોડ બનાવાઇ રહ્યો છે. પરંતુ એ સીમેન્ટ પાઇપની જગ્યાએ એક નાનુ પુલીયુ બનાવવાની સોસાયટીના રહીશોની રજુઆત હતી. ત્યારે આગામી દિવસોમાં પુલીયુ બનાવવાની સાંત્વનાં તંત્ર દ્રારા મળી હતી.
પરંતુ પુલિયું બનાવ્યા વગર રોડની કામગીરી શરૂ થતાં રહીશોમાં રોષની લાગણી ફેલાઇ છે. આગામી દિવસોમાં પુલિયું બનાવાશે ગોકુલ પાર્કનાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા વર્ષો જુની છે. તે માટે નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં યોગ્ય આયોજન કરી પુલીયુ બનાવવી વરસાદી પાણીનો નિકાલની વ્યવસ્થા કરાવામાં આવશે. – જયશ્રીબેન પરમાર, પ્રમુખ, નગરપાલિકા
