- નરોડામાં પત્નીને ટિકીટના મામલે બન્ને હોદ્દેદારો વચ્ચે માથાકૂટ થઈ હતી
- ઉમેદવારની પસંદગી પ્રક્રિયાની કામગીરી પૂર્ણ
- બન્ને હોદેદારો પાસે લેખિત ખુલાસો લેવામાં આવ્યો
ગાંધીનગર: રાજય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની (Gujarat Local Body Polls) તારીખો શનિવારે જાહેર કરવામાં આવી હતી. આ ચૂંટણીને લઇને પ્રદેશ ભાજપ (Gujarat BJP) તરફથી ઉમેદવારની પસંદગી પ્રક્રિયાની કામગીરી સોમવારે પુરી થઈ હતી.
રવિવારે આ કામગીરી વખતે નરોડા વોર્ડમાં (Naroda Ward) પત્નીને ટિકિટ આપવાના મામલે નરોડા વોર્ડના પૂર્વ યુવા મોરચાના શહેર કારોબારી સભ્ય લવ ભરવાડ તેમજ કોર્પોરેટર ગિરીશ પ્રજાપતિ વચ્ચે માથાકૂટ થઈ હતી. આ ઘટનાએ શિસ્તના આગ્રહી ગણાતા ભાજપ પક્ષમાં હડકંપ સર્જી દીધો હતો. આ ઘટનાને ગંભીર ગણીને બન્ને હોદ્દેદારોને રૂબરૂ બોલાવીને લેખિત ખુલાસો લેવામાં આવ્યો છે. હવે પ્રદેશ નેતાઓ આ અંગે કાર્યવાહી કરશે તેમ ભાજપ તરફથી જણાવવામાં આવ્યું છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Gujarat Local Body Polls) જાહેર થતાની સાથે જ ભાજપ (Gujarat BJP) તરફથી અમદાવાદ શહેરમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેના ભાગરૂપે જ ભાજપ દ્વારા નિમાયેલા નિરીક્ષકોએ સ્થાનિક કાર્યકર્તાઓને મળ્યા હતા અને તેમની રજૂઆતોને ધ્યાને લીધી હતી.
રવિવારે સેન્સ લેવાની કામગીરી દરમિયાન અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં બે હોદ્દેદારો કાર્યકર્તાઓને સાંભળીને સેન્સ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે નરોડા વોર્ડમાં પૂર્વ યુવા મોરચાના શહેર કારોબારી સભ્ય લવ ભરવાડ તેમજ કોર્પોરેટર ગિરીશ પ્રજાપતિ વચ્ચે મારામારી થઈ હતી. છેવટે સ્થાનિક આગેવાનોએ દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડયો હતો.
આ ઘટનામાં હુમલો પણ કરાયો હતો. આ ઘટના અંગે મીડિયામાં પ્રસિદ્ધ થયેલા અહેવાલોએ ભાજપમાં ભારે ખળભળાટ મચાવી દીધો હતો. આ અંગે પ્રદેશ હોદ્દેદારો સાથે પરામર્શ કરીને અમદાવાદ મહાનગર કાર્યાલય ખાતે બન્ને હોદ્દેદારો ને રૂબરૂ બોલાવીને તેમની પાસે લેખિત ખુલાસો માંગવામાં આવ્યો હતો. આ ઘટનાની પક્ષના મોવડી મંડળે ગંભીર નોંધ લીધી છે. ભવિષ્યમાં આવી કોઈ ઘટનાનું પુનરાવર્તન ના થાય તે માટે આ હોદ્દેદારો સામે આકરા પગલાં લેવામાં આવે તેવી શકયતા દેખાઈ રહી છે.
સોમવારે પણ ચાંદલોડિયા, ચાંદખેડા, ખોખરા, લાંભા, દાણીલીમડા, ગોમતીપુર, ભાઇપુરા હાટકેશ્વર, અસારવા, શાહીબાગ, કુબેરનગર, બાપુનગર, સરસપુર તેમ જ શાહપુર, ઓઢવ, વાસણા, નવરંગપુરા, મક્તમપુરા, ઉપરાંત થલતેજ અને બોડકદેવ વોર્ડના કાર્યકર્તાઓને સાંભળીને કાર્યકર્તાઓની સેન્સ લેવામાં આવી હતી. હવે નિરીક્ષકો દ્રારા પોતાનો રિપોર્ટ પ્રદેશ મોવડી મંડળ સમક્ષ રજૂ કરાશે. ત્યારપછી મોવડી મંડળ દ્વારા ઉમેદવારોની પસંદગીની કાર્યવાહી હાથ ધરશે. (ફાઈલ ફોટો)



