સુરત
નવરાત્રી શરૂ થઈ ગઈ છે, એટલે લોકોને ગરબાની યાદ આવે છે. ગરબા ગુજરાતી લોકસાહિત્યનો ભાગ છે. ગરબો ગુજરાતી સાહિત્ય અને સંગીતની અનોખી શૈલી છે. સુરત વિશે ફ્લ્મિ, નવલકથા, નાટક, વાર્તા, કવિતા, ગીત, ગઝલ, છંદ, દોહા, લાવણી અને ગરબાઓની રચના થઈ છે. સુરતમાં થયેલી દુર્ઘટનાઓની શહેરીજનોના માનસપટ પર ખૂબ ઊંડી અસર થઇ હતી, તેની વેદના ગરબા સ્વરૂપે અભિવ્યક્ત કરાઇ હતી. ઈ.સ. ૧૮૮૩ અને ૧૮૯૪માં શહેરમાં વિનાશક રેલ આવી હતી.સુરતમાં પ્રાચીન સમયમાં આગ, રેલ, દુકાળ અને પ્લેગ વિશે ગરબા લખાયા હતા. શહેરમાં થોડા-થોડા સમયમાં કુદરતી આફતો આવતી હતી. આ કુદરતી આફતોની જનમાનસ પર ઊંડી આસર પડતી હતી, તેથી કવિ ગરબા લખીને આફતો વ્યક્ત કરતા હતા. ઈ.સ ૧૮૮૯ અને ૧૯૦૦ની સાલમાં ભયંકર આગ, ઈ.સ ૧૮૯૯નો દર્દનાક પ્લેગ અને ઇ.સ. ૧૯૦૦ કારમો દુકાળ પડયો હતો. દુર્ઘટનામાં થયેલી જાનહાનિ તે સમયે રચાયેલા ગરબા દ્વારા જાણવા મળે છે. ગરબાઓમાં દુર્ઘટના દરમિયાન જુદાજુદા વિસ્તારમાં આગ કે પાણીથી થયેલા વિનાશનું વર્ણન, દુષ્કાળમાં ભૂખે મરતા લોકો, અનાથ થયેલા બાળકો, લાચાર વૃદ્ધોની વેદનાનું વર્ણન, રોગચાળાથી ટપોટપ મરતા ઇતિહાસકાર સંજય ચોકસીએ જણાવ્યું હતું કે પૂરના પાણીમાં ફરતી હોડી અને જાંબાઝ તરવૈયાઓની વાતો. અગનગોળા સાથે ખેલાતા વીર જવાનોની દાસ્તાન, દર્દીની નિસ્વાર્થ સેવા કરતા વૈદ અને ડોક્ટરોની વિગત ગરબામાં વણી લેવામાં આવી છે. જુદી જુદી વ્યક્તિના સેવાકાર્યોની સુંદર નોંધ લેવામાં આવી હતી. સુરત, મુંબઈ અને અમદાવાદમાંથી મળેલી નાણાકીય મદદની વિગતો ગરબામાં જાણવા મળે છે. આ ગરબા કઈ તારીખે, કયા વારે, કયા સમયે, કયા સ્થળ પર દુર્ઘટનાની શરૂઆત થઈ તેની સાથે ખાસ કયા રાગ તેમજ કઈ કૃતિ પર આધારિત છે, ગરબાની રચના કરનાર અને પ્રસિદ્ધ કરનાર વ્યક્તિ વિશે પણ જણાવવામાં આવતું હતું.