કોલકતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ (Mamata Banerjee) કોરોના વૅક્સીનેશનને (Corona Vaccination Drive) લઈને મોટી જાહેરાત કરી છે. મમતા બેનર્જીએ કહ્યું છે કે, રાજ્ય સરકાર (West Bengal Govt) રાજ્યના તમામ જરૂરિયાતમંદ લોકોને ફ્રી કોરોના વૅક્સીન આપશે. રાજ્ય સરકાર આ માટે વ્યવસ્થા કરી રહી છે. પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલા મમતા બેનર્જીનો આ માસ્ટર સ્ટ્રોક માનવામાં આવી રહ્યો છે.
જણાવી દઈએ કે, દેશમાં 16 જાન્યુઆરી,2021થી કોરોના વૅક્સીનેશન અભિયાન (Corona Vaccination Drive) શરૂ થઈ રહ્યું છે. અગાઉ મમતા બેનર્જીએ (Mamata Banerjee) પોતાના રાજ્યના લોકોને કોરોના વૅક્સીન (Corona Vaccine) મફત અપાવવાનો નિર્ણય કર્યો છે. જો કે 16 જાન્યુઆરીથી શરૂ થનારા વૅક્સીનેશન (Corona Vaccination Drive)કેટલાક ખાસ લોકો માટે જ છે. જેમાં સ્વાસ્થ્ય કર્મચારીઓ, ફ્રન્ટ લાઈન હેલ્થ વર્કર અને 50 વર્ષથી વધુ વયના લોકો જેમને પહેલાથી કોઈ બીમારી હોય વગેરે સામેલ છે.
આ દરમિયાન દિલ્હી સહિત અનેક રાજ્યો માંગ કરી ચૂક્યા છે કે, દેશવાસીઓને કોરોનાની વૅક્સીન મફત મળવી જોઈએ. બિહાર વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપે પણ વાયદો કર્યો હતો કે, જો તેમની સરકાર આવશે, તો તમામ લોકોને કોરોના વૅક્સીન મફત આપવામાં આવશે.
આ પણ વાંચો: કંગનાનો ટ્વીટર પર હુમલોઃ ઇસ્લામી દેશો અને ચીની પ્રોપેગેન્ડા સામે વેચાઇ જવાનો આરોપ
ઉલ્લેખનીય છે કે, 294 સભ્યો ધરાવતી પશ્ચિમ બંગાળ વિધાનસભા માટે આ વર્ષે એપ્રિલ-મે મહિના ચૂંટણી યોજાવાની છે. જેને પગલે મમતા બેનર્જીની આ જાહેરાત ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. મમતાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, મને જાહેરાત કરતા ખુશી થઈ રહી છે કે, અમારી સરકાર રાજ્યના તમામ લોકોને કોઈ ખર્ચ વિના મફતમાં કોરોના વૅક્સીન આપવા માટે વ્યવસ્થા કરી રહી છે.
પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધી 5,58,000 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. જ્યારે 9881 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે સારી વાત એ છે કે, રાજ્યમાં કુલ 5,40,000 લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે.