(215 વર્ષ જૂની પુરાણી વાવ માટે તંત્ર ન જાગતા અપના હાથ જગન્નાથ)
રાજસીતાપુર, ધ્રાંગધ્રા :
ધ્રાંગધ્રા તાલુકાનું રાજસીતાપુર ગામ પુરાતન વખત થી વિકસિત અને તાલુકા તેમજ જિલ્લા ની મધ્યે આવેલું મોટુ ગામ છે. રાજસીતાપુર ગામમાં સંવત 1863 માં પાણી ની તકલીફ સામે ગામજનો ને પડતી અગવડતાથી ચિંતિત બનીને ગામ માં મઠ ધરાવતા નાગા સંપ્રદાયના પ્રતાપગીરી મહારાજ દ્વારા એ સમયે આશરે પંદર હજાર ખર્ચ કરીને વાવ બનાવવાની કામગીરી કરાઈ હતી. સીતાપુરમાં સ્થિત હાલની લાલજી મહારાજ ની જગ્યા પાસે આ પુરાતન વાવ એના યાદગાર અસ્તિત્વ સાથે અડીખમ ઉભી છે પણ આ વાવ ની જાળવણી માટે ગામ નાં જાગૃત યુવાનોથી લઈને વડીલોએ પુરાત્વ વિભાગને વારંવાર રજૂઆતો કરી છે તેમ છતાંય વાવ નાં યોગ્ય સમારકામ બાબતે નિષ્ક્રિયતા જ ઉભી રહી એમ ગામજનો નો આક્ષેપ છે સાથે આખરે હતાશ બનીને ગામજનો એ લોકફાળો એકત્ર કર્યોં અને પોતાની જાતે જ પોતાની સંસ્કૃતિ અને યાદગાર વાવનું જતન શરુ કરવાનું બીડું ઝડપ્યું છે.
જિલ્લામાં અનેક પુરાતન અને ઐતિહાસિક ઇમારતો, મંદિર અને વાવ છે પણ માત્ર કેવડિયા કોલોની સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ની જાળવણી અને આવક માં મસ્ત બનેલા પુરાત્વ વિભાગને રાજ્યની અન્ય જર્જરિત અને ઐતિહાસિક ઇમારતો ની પણ દરકાર લેવાની ખાસ જરૂર છે. ધ્રાંગધ્રા તાલુકામાં પણ દ્રૌપદી કુંડ, કંકાવટી ની વાવ, જીવા ની ઐતિહાસિક વાવ અને પાળિયા, શહેર ની રાજાશાહી વખતની અમુક ઇમારતો (સરકારની જાળવણીમાં આવતી) પણ ખાસ જતન માંગી રહી છે અને જો યોગ્ય જાળવણી કરવામાં આવે તો રણની મુલાકાતે આવતા વિદેશીઓ તેમજ અન્ય જિલ્લાના પ્રવાસીઓ ને આકર્ષી ને ત્યાં વિભાગ કે ગામ, શહેર ને આવક પણ ઉભી થાય એમ છે પરંતુ વર્ષોથી યોગ્ય જાળવણી નથી થાતી એવા આક્ષેપો સામે આવતા રહ્યા છે તયારે ધ્રાંગધ્રા તાલુકાની જર્જરિત ઐતિહાસિક ઇમારતો બાબતે પુરાતત્વવિભાગ કયારે જવાબદાર બનશે એ આવનારો સમય જ બતાવશે.
સંવાદદાતા હિતેશ રાજપરા મારફત.