Gujarat

પ્રદુષિત કરી નાખતા જેતપુર સાડી ઉદ્યોગના ભયંકર કેમિકલયુક્ત પાણી

પેટા
ડાઇંગ એસોસિયેશનના ભાટગામ સ્થિત ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી ઉબેણ નદીને કરે છે પ્રદૂષિત
પેટા
કેરાળા સહિત દસથી બાર ગામના ખેડૂતો માટે ઉબેણના પાણી સિંચાઈ માટે શોભાના ગાંઠિયા જેવા
પેટા
ખેત પાકના પિયત માટે ખેડૂતો ઉબેણમાંથી પાણી લે તો પાકોનો સત્યાનાશ નીકળી જાય છે
ઉબેણ નદી પ્રદૂષિત બનતા હજારો જળચર સૃષ્ટિનો નાશ : ગ્રામ્ય વિસ્તારોમાં વકરેલા ચામડીના રોગો
હરેશ ભાલિયા દ્વારા જેતપુર તારીખ 7
જેતપુરના સાડી ઉદ્યોગના પ્રદૂષિત પાણીએ આસપાસના તમામ ગામડાઓ અને વિસ્તારોમાં ખેતીની જમીનને બંજર બનાવી દીધા બાદ હવે જેતપુરના સાડી ઉધોગના ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી ભેસાણ પંથકની ઉબેણ નદીને પણ પ્રદુષિત કરી નાખતા કેરાળા ગામ સહિતના દસથી બાર ગામડાઓના ખેડૂતો ઉબેણનું પાણી સિંચાઈ માટે ઉપયોગ કરી શકતા નથી.
 એટલું જ નહીં સાડી સાડી ઉદ્યોગના પ્રદુષિત  કેમિકલવાળું પાણી ઉબેણ નદીમાં ભળતું હોવાથી હજારો જળચર સુષ્ટી નાશ પામી છે. આજુબાજુના ગામડાઓમાં ચામડીના રોગો વકરી રહ્યા છે. આ બધું જાણવા છતાં લાગતા વળગતા પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ મૂક, બધિર અને સુરદાસની ભૂમિકા ભજવતા હોવાથી ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે. આ બાબતે તાકીદે યોગ્ય કરવામાં નહીં આવે તો કેરાળા સહિત આજુબાજુના   ગામના લોકો ખેડૂતો આંદોલનના મંડાણ કરશે તેવી ચીમકી અપાઇ છે.
જેતપુરના સાડી ઉધોગનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ભેસાણના ભાટગામ ખાતે સ્થપાયો છે. આ ટ્રીટમેન્ટનું પાણી  રિફાઇન કરીને છોડવાનું સમયાંતરે કોર્ટનીતાકીદ હોવા છતાં   ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના લાગતા વળગતા સત્તાધીશોને તેમજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું સંચાલન કરતાં કાર્યવાહકો રિફાઇન કર્યા વગર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પ્રદૂષણયુક્ત પાણી ચારે બાજુ છોડી દેતા હોવાથી આજુબાજુ ખેતીની જમીનને ભારે નુકસાન થયું છે.
એટલું જ નહીં સાડી ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પ્રદૂષિત પાણી લાંબા સમય થયા  ઉબેણ નદીમાં પણ ભળવા લાગતા  આખી ઉબેણ નદી કેમિકલ યુક્ત લાલ પાણીથી પ્રદુષિત થઈ ગઈ છે.
 સૌથી મોટા દુઃખની વાત તો એ જાણવા મળી કે ભેસાણ પંથકના કેરાલા ગામ સહિત આજુબાજુના  10, 12 ગામના ખેડૂતો પોતપોતાના ખેત પાકોના પિયત માટે  ઉબેણ
નદીનું પાણી સિંચાઈ માટે વર્ષો પહેલા વાપરતા હતા. પરંતુ હવે જેતપુરના સાડી ઉદ્યોગના ભયંકર કેમિકલયુકત પાણીથી ઉબેણ નદી  પ્રદૂષિત થઈ ગઈ હોય હવે ખેડૂતો આ નદીનું પાણી પિયત માટે લઈ શકતા નથી
કેરાળા ગામના જુદા જુદા આગેવાનો કહે છે કે આ બાબતે અનેક વખત લાગતા વળગતા સત્તાધીશોને તેમજ પાણી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ પ્રદૂષણ દૂર કરવાની જવાબદારી છે તેઓ તમામ સત્તાધીશો જેતપુરના સાડી ઉદ્યોગપતિઓ સાથે મળી ગયા હોવાથી ઉબેણ નદીમાં પ્રદુષણ ફેલાવવાનું આજની તારીખે પણ ચાલુ છે. પરિણામે નદી કાંઠાના ખેડૂતો નદીનું પાણી ખેત પાકના પિયત માટે વાપરી શકતા નથી. અને જો ભૂલે થી પણ આ નદીનું પાણી પિયતમાં વાપરે તો ખેતપાક બળી જાય છે.
બોક્સ : વાડી-કૂવાના તળ બગડી ગયા
જેતપુર : ગામના એક આગેવાને એવું પણ કહ્યું કે ઉબેણ નદી પ્રદૂષિત થઈ જતા આજુબાજુના વાડી ખેતરના કુવાના પાણી પણ બગડી રહ્યા છે. વાડી બોરના તળ પણ પ્રદૂષિત પાણીથી બગડી ગયા છે. જો કોઈ ખેડૂત પોતાની વાડી ખેતરમાં પાણી માટે નવો બોર કરવા માગે તો ઓછામાં ઓછા ૧૦૦૦ થી ૧૫૦૦ ફૂટ બોરિંગ કરાવવો પડે.આમ છતાં પાણી નીકળે તો કેમિકલયુક્ત પાણી મળે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જેતપુરના સાડી ઉદ્યોગના કેમિકલયુક્ત ભયંકર પાણીએ ભેસાણ પંથકના અને ઉબેણ નદી કાંઠા વિસ્તારના વાડી ખેતરો ના કુવા તેમજ બોરના તળ બગાડી નાખ્યા છે. ત્યારે લાગતા વળગતા સત્તાધીશો ઉબેણ
નદીને ચોખ્ખી કરવા મહેનત કરશે કે નહીં તે સમય જ બતાવશે.
બોક્સ : જીપીસીબીને જાણ કરી પણ કોઈ પરિણામો નહીં
જેતપુર:
ઉબેણ સિંચાઇ યોજનાના કાર્યપાલક ઇજનેર મૌલિક મહેતાએ પત્રકારોને જણાવ્યું હતું કે ઉબેણ નદીમાં જેતપુરના સાડી ઉદ્યોગનું ભયંકર કેમિકલયુકત પ્રદુષિત પાણી ભળતું હોવા બાબતે અગાઉ તેમના દ્વારા લાગતા વળગતા  પાણી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓને લેખિતમાં જાણ કરવામાં આવી છે. આમ છતાં પાણી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કોઇ કામગીરી કરાઇ છે કે નહીં ? અથવા તો ઉબેણ નદીમાં ફેલાતું પાણી પ્રદૂષણ અટકાવવા કોઇ પ્રયાસો કરાયા છે કે નહીં ? તે બાબતે તેઓને જાણ કરાઇ નથી.

Screenshot_20211207-112204_Gallery.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *