PM નરેન્દ્ર મોદીએ રાજસ્થાનમાં બાડમેર-જોધપુર હાઈવે પર બસ-ટેન્કરની ટક્કરમાં મૃત્યુ પામનારાઓ પ્રત્યે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. PM મોદીએ ભોગ બનનારાઓ માટે પ્રાઈમ મિનિસ્ટર્સ રિલીફ ફંડ (પીએમએનઆરએફ)માંથી આર્થિક સહાય પણ મંજૂર કરી છે. શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં, PM કાર્યાલયે કહ્યું, રાજસ્થાનમાં બાડમેર-જોધપુર હાઈવે પર બસ-ટેન્કરની ટક્કરમાં લોકોએ જીવ ગુમાવ્યા એ દુઃખદાયક છે. આ શોકગ્રસ્ત સ્થિતિમાં, મારી સંવેદનાઓ વ્યથિત પરિવારો સાથે છે.
તેમણે કહ્યું કે, હું પ્રાર્થના કરૂં છું કે ઘાયલો ત્વરિત સ્વસ્થતા પ્રાપ્ત કરે. રાજસ્થાનમાં બાડમેર-જોધપુર હાઈવે પરના અકસ્માતમાં જેમણે જીવ ગુમાવ્યા છે એ પ્રત્યેકના પરિજનને પીએમએનઆરએફમાંથી રૂ. 2 લાખની આર્થિક સહાય આપવામાં આવશે. પ્રત્યેક ઘાયલ વ્યક્તિને રૂ. 50,000 આપવામાં આવશે.પાડોશી રાજ્ય રાજસ્થાનના બાડમેર-જોધપુર હાઈવે પર મોટો અકસ્માત થયો છે. જેમાં એક ખાનગી બસ ટેન્કરક સાથે ભટકાતા બસમાં એકાએક આગ લાગી ગઈ હતી. એવું પણ જાણવા મળ્યું હતું કે, આ ઘટનામાં 12 લોકોનું આગમાં બળી જવાથી મોત નીપજ્યું છે. આ ઘટના બાદ બાડમેર જોધપુર હાઈવે પર લાંબા અંતર સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો. ટેન્કર સાથે અથડાયા બાદ બસમાં આગ લાગી ગઈ હતી. આ બસમાં કુલ 25 લોકો બેઠા હોવાના વાવડ છે. તંત્રએ 10 વ્યક્તિઓને બચાવી લીધા છે.સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. બસમાં બેઠેલા એક પ્રવાસીએ કહ્યું કે, બસ 9.55 વાગ્યે બાલોતરાથી નીકળી હતી. આ દરમિયાન સામેથી રોંગ સાઈટમાં આવી રહેલા ટેન્કરે બસને ટક્કર મારી દીધી હતી. એ પછી બસમાં એકાએક આગ લાગી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે, ગણતરીની મિનિટમાં જ બસ બળીને ખાક થઈ ગઈ હતી. જ્યારે 12 લોકો જીવતા ભૂંજાયા હોવાના વાવડ છે. આ ઘટનાની જાણ થતા પોલીસ અને તંત્રની ટીમ બચાવકાર્ય હેતું દોડી ગઈ હતી. ધારાસભ્ય મદન પ્રજાપત, પ્રભારી મંત્રી સુખરામ બિશ્નોઈ સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યાના વાવડ મળ્યા છે.રેસક્યુ ઑપરેશન યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવ્યું હતું. મૃતદેહના બહાર કાઢવા માટે પણ પગલાં લેવામાં આવ્યા છે. આ ઘટના પર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે દુઃખ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, બાડમેરમાં થયેલી બસ અને ટેન્કરની ઘટના અંગે જિલ્લા બાડમેર ક્લેક્ટર સાથે ફોન પર વાતચીત થઈ છે. રાહત તથા બચાવ કાર્ય સંબંધીત આદેશ આપવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તને ઝડપથી સારવાર મળે એ માટે પગલાં લેવામાં આવ્યા છે. બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયા હોવાની જાણ પ્રાથમિક તપાસમાંથી થઈ છે.આ ઘટના પચપદરા પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તાર એવા કુડી ગામ નજીક બની છે. બસ અને ટેન્કર અથડાયા બાદ બંને વાહનોમાં એક સાથે ધડાકા બાદ આગ લાગી ગઈ હતી. આ ઘટનામાં મૃતકોની સંખ્યા વધવાની પૂરી શક્યતા છે. ઈજાગ્રસ્ત પ્રવાસીઓને બાલોતરા હોસ્પિટલમાં સારવાર હેતું ખસેડવામાં આવ્યા છે. આગ પર સંપૂર્ણ પણે કાબુ મેળવ્યા બાદ ખ્યાલ આવશે કે, હજું કેટલા લોકોનું મોત આ ઘટનામાં થયું છે. સિંગલ ટ્રેક રોડ પર ટેન્કર રોંગ સાઈડમાં આવી રહ્યું હોવાનું પ્રવાસીઓએ જણાવ્યું હતું.
ઉમંગરાવલ


