ગાંધીનગર
ગુજરાતના મતદારોએ ફરીથી ગુજરાતના પાટનગરની સત્તા ભાજપને સોપી છે. ભાજપ લોકોને આપેલું વચન પૂર્ણ કરશે. ગયા વખતે પણ મેનીફેસ્ટોમાં આપેલા વચનો પૂર્ણ કર્યા અને વધુ કર્યા. આ વખતે પણ ગાંધીનગરમાં જે પણ કાર્યકર્તાઓ વિજય થયા છે તે સરકારની સાથે સુમેળ કરીને ગાંધીનગરના વિકાસ માટે ખૂબ સારું કામ કરશે તેવો હું સૌ મતદાર ભાઈઓને વિશ્વાસ અપાવું છું. ગાંધીનગર મતદાન વિસ્તાર દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબનો છે. તેમના દ્વારા ગાંધીનગરની જે માવજત થાય છે. અલગ-અલગ કાર્યક્રમ દ્વારા તેઓ ગાંધીનગરના સંપર્કમાં રહે છે. સેવાકીય પ્રવૃત્તિઓને ખૂબ મોટો લાભ આ ચૂંટણીમાં મળ્યો છે. એટલે અમે અમિત શાહ સાહેબ અને નરેન્દ્ર મોદી સાહેબનો આભાર માનીએ છીએ. સી.આર. પાટીલે અંતમાં જણાવ્યું હતું કે, પૂર્વ મંત્રીઓએ જે કામ કર્યા તેના જ પરિણામે અમને આ જીત મેળવવામાં સફળતા મળી છે. નવા મુખ્યમંત્રીને પણ ગાંધીનગરના અને ગુજરાતના ભાઈઓ અને બહેનોએ વધામણા કર્યા છે. તેમના કારણે પણ તેમનો આભાર માનીએ છીએ. ગાંધીનગરના કાર્યકર્તાઓએ તેમને આપેલી જવાબદારી ખૂબ જ સારીરીતે નિભાવી છે. હું ફરી એક જ વાત કહેવા માગું છું કે ગુજરાતની અંદર ત્રીજી પાર્ટી માટે કોઈ જગ્યા નથી. ગુજરાતના મતદાર ભાઈ બહેનો ગુજરાતની હિત અને દેશનું હિત કઈ પાર્ટીને મત આપવાથી જળવાશે તે સમજે છે અને તે રીતે તેઓ મતદાન કરે છે. એટલે હું તેમનો આભાર માનું છું.ગાંધીનગરમાં ભાજપની ભવ્ય જીત થઇ છે. ગાંધીનગરની ૪૪ બેઠકમાંથી ૪૧ બેઠક પર ભાજપ, ૨ બેઠક પર કોંગ્રેસ અને ૧ બેઠક પર આમ આદમી પાર્ટીને જીત મળી છે. ભાજપને ગાંધીનગરમાં જીત મળ્યા બાદ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક જ કારમાં કમલમ પહોંચ્યા હતા. ત્યારબાદ તેમને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કોરોનાની મહામારી વચ્ચે લોકોની સાથે સંપર્ક જાળવ્યો તેમની નાની મોટી મુશ્કેલીઓમાં સાથે રહ્યા છે. તેના કારણે ગાંધીનગર મહાનગરપાલિકા અને તેની સાથેના અન્ય ઈલેક્શનમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. ગાંધીનગર મહાનગરપાલિકા ગયા વખતે ભાજપની પાસે ૧૭ અને કોંગ્રેસની પાસે ૧૫ સીટ હતી. ભાજપે આજે ૪૧ સીટો સાથે વિજય મેળવ્યો છે. કોંગ્રેસને ફક્ત ૨ સીટ મળી છે અને જે ખૂબ ગાજ્યા હતા પણ વરસ્યા નહીં તેમને ૧ સીટ મળી છે. ગુજરાતની પ્રજાએ તેમને રીજેક્ટ કર્યા છે. સી.આર. પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, થરા નગરપાલિકામાં ભાજપે ૨૪માંથી ૨૦ સીટ સાથે ભવ્ય વિજય મેળવ્યો છે. ઓખા નગરપાલિકામાં ૩૬માંથી ૩૪ સીટ ભારતીય જનતા પાર્ટી જીતી છે. જિલ્લા પંચાયતમાં જે ૮ સીટો હતી તેમાંથી ૫ સીટો પર ભારતીય જનતા પાર્ટીએ જીત હાંસલ કરી છે. તાલુકા પંચાયતની ૪૫માંથી ૨૮ સીટ ભારતીય જનતા પાર્ટી જીતી છે. નગરપાલિકાની ૪૫ સીટમાંથી ૩૭ સીટ ભારતીય જનતા પાર્ટી જીતી છે. એટલે ઐતિહાસિક કહી શકાય તેવું પરિણામ ગાંધીનગરમાં અને અલગ-અલગ જગ્યા પર યોજાયેલી પેટાચૂંટણીમાં મળ્યું છે. આ ફરી શાબિત કરી છે કે, ગુજરાતના મતદાર ભાઈ બહેનો નરેન્દ્ર મોદી સાહેબમાં વિશ્વાસ ધરાવે છે.


