ભાણવડ
ભાણવડ નગરપાલિકાની ૬ વોર્ડની ૨૪ બેઠકોને લઇને આજે ચૂંટણી યોજાઈ છે. લોકો મતદાન પણ કરી રહ્યા છે. તો બીજી તરફ ૨૪ બેઠકો જીતવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ૭૧ ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. આજે આ ઉમેદવારોનું ભાવી ઈફસ્માં કેદ થશે. તો બીજી તરફ ગાંધીનગરના ભાટ ગામની અંદર ભાજપ દ્વારા બોગસ મતદાન કરાવવામાં આવતું હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો હતો.રાજ્યમાં ગાંધીનગર મહાનગરપાલિકાની સાથે-સાથે ૭ જિલ્લા પંચાયતની ૮ બેઠકો પર પેટાચૂંટણી, તાલુકા પંચાયતની ૪૩ બેઠકો પર પેટાચૂંટણી અને દ્વારકા જિલ્લાની ભાણવડ નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણીનું આજે મતદાન થઇ રહ્યું છે. ચૂંટણીના મતદાન વચ્ચે ભાણવડ નગરપાલિકાના વોર્ડ નંબર ૧માં કોંગ્રસના ઉમેદવારોએ ધરણા કરીને વિરોધ પ્રદર્શન કર્યું છે. મતદાન મથકમાં રહેલા ઈફસ્ મશીનની અંદર ૬ નંબરનું બટન કામ ન કરતુ હોવાના આક્ષેપ સાથે આ ઉમેદવારો ધરણા પર બેઠા છે. આ બાબતે કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ દ્વારા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છતાં પણ કોઈ કાર્યવાહી ન થતા કોંગ્રેસના ઉમેદવાર ધરણા પર ઉતર્યા છે. આ બાબતે કોંગ્રેસની માગણી છે કે, આ બૂથ પર આવતી કાલે ફરીથી મતદાન કરાવવામાં આવે. આ બાબતે કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે જણાવ્યું હતું કે, અમારા કોંગ્રેસના મહિલા ઉમેદવાર નયનાબેન ચૌહાણ છે તેમનું ૬ નંબરનું બટન ઈફસ્ મશીનમાં આપવામાં આવ્યું છે, પણ આ મશીનમાં બટન કામ કરતુ નથી. લોકો તેમને મત આપવા માગે છે પણ તેમને મત આપી શકતા નથી કારણ કે બટન શરૂ નથી. આ બાબતે કલેક્ટરનું ધ્યાન દોર્યું અને ચૂંટણી અધિકારી તરીકે પ્રાંતસાહેબનું ધ્યાન દોર્યું પણ તે આ વાત માનવા તૈયાર નથી. અહિયાં ચૂંટણી અધિકારી તરીકે રહેલા પ્રાંતસાહેબ પણ ભાજપની સાથે મિલીભગ છે. અમે તેમને એમ પણ કહ્યું કે, આ બાબતે અમને લેખિતમાં આપો. અમારી માગણી એવી છે કે, આ બૂથમાં જે ૧૪૭ લોકોએ મતદાન કર્યું છે તેમનું મતદાન આવતી કાલે કરવામાં આવે અથવા તો આખા બૂથનું મતદાન ફરીથી કરવામાં આવે. તે લોકો અમારી વાત માનવા તૈયાર નથી. તેઓ સરકારની સાથે મળીને કોંગ્રેસને હરાવવાનો પ્રયાસ કરે છે.