ભૂજના ખાડવા પાસે આવેલ સૂકી નદીમાં ત્રણ ભાઈઓ ઘર ઘર રમી રહ્યા હતા. તે દરમિયાન ભેખડ ઘસી પડતા આ ત્રણેય ભાઈઓ દટાતા તેઓના મોત થયા છે. જો કે, આ ત્રણેય મોડી રાત સુધી ઘરે ન આવતા પરિવારજનોમાં ભારે ચિંતા થઈ હતી જેથી તેઓ શોધવા માટે નદીના કિનારે પહોંચ્યા ત્યારે આ ત્રણેયના ચપ્પલો પડી હતી. રેતીના ઢગલા નીચેથી ત્રણેય બાળકોના મૃતદેહો મળ્યા હતા.
આ બનાવની મળતી માહિતી પ્રમાણે, ભૂજના ધ્રોબણા પાસે આવેલ હુસેની વાડમાં રહેતા મુનીર,કલીમ અને રજા આ ત્રણે પિતરાઈ ભાઈઓ રમવા માટે બહાર નિકળ્યા હતા. રમતા રમતા ત્રણેય લોકો નદી કિનારે પહોંચ્યા હતા. જયા તેઓ માટીનું ઘર બનાવી ઘર ઘર રમી રહ્યા હતા. તે દરમિયાન આ ત્રણેય ભાઈઓ પર ભેખડ ઘસી પડતા તેઓ દટાઈ ગયા હતા. આ ત્રણેયનો શ્વાસ રુંધાતા તેઓના મોત થયા હતા. આ બાળકો મોડી સાંજ સુધી ઘરે પરત ન આવતા પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરી હતી.
પરિવારજનો શોધખોળ કરી રહ્યાં હતા એ સમયે ત્રણેય પિતરાઈ ભાઈઓના ચપ્પલ નદી પાસેથી મળી આવ્યા હતા અને બાજુમાં રેતીનો ઢગલો હતો. રેતીના ઢગલામાં તપાસ કરતા ત્રણેય બાળકો મળી આવ્યા હતા.
જેમને મોડી રાત્રે સારવાર અર્થે ખાવડાના સરકારી દવાખાને લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના હાજર તબીબે ત્રણેયને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતાં ગ્રામજનો શોકમાં ગરકાવ થઇ ગયા હતા.