ભુજ
માંડવી શહેરના ગૌરવ પથ પર આયોજિત ટ્રી સ્પર્ધા વિશે નગર સેવક વિશાલ ઠક્કરે જણાવ્યું હતું કે, સાંસદ વિનોદ ચાવડાની પ્રેરણાથી વૃક્ષની સુંદરતામાં અભિવૃદ્ધિ કરવાના હેતુથી શહેરના ચિત્રકારો દ્વારા દેશભક્તિ, કચ્છી સંસ્કૃતિ, સ્વચ્છતા વગેરે થીમ પર વૃક્ષના થડ પર રંગબેરંગી ચિત્રો દોરવામાં આવ્યાં હતા.માંડવી તેના રમણીય બીચ અને વિવિધ જાહેર સ્થળોના કારણે જાણીતું છે. એવામાં માંડવીમાં આવેલા ગૌરવ પથને વધુ સુંદર બનાવવા કચ્છના સાંસદ વિનોદ ચાવડા દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ત્રિ-દિવસીય ટ્રી પેઇન્ટિંગ સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં શહેરના ૩૫ ચિત્રકારો ગૌરવપથ પરના ૭૦ જેટલા વૃક્ષ પર અવનવી થીમ સાથેના ચિત્રો બનાવી આયોજનમાં ભાગ લઈ રહ્યા છે. આ સ્પર્ધા ૧૦થી ૧૨ ડિસેમ્બર દરમિયાન યોજાશે. રવિવારે કાર્યક્રમની પૂર્ણાહુતી બાદ ૧થી ૫ ક્રમાંકે આવનારા સ્પર્ધકોને મેડલ આપવામાં આવશે તથા ભાગ લેનારા દરેક કલાકારોને નગરપાલિકા દ્વારા સર્ટિફિકેટ અને પ્રોત્સાહક ઇનામો પણ આપવામાં આવશે. કાર્યક્રમના પ્રારંભે જિલ્લા ભાજપના અગ્રણી અનિરુદ્ધ દવે, નગર અધ્યક્ષા હેતલ સોનેજી, શહેર ભાજપ પ્રમુખ દેવાંગ દવે તેમજ જિજ્ઞાબેન સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
