ખેડા
ગુજરાતના માતરની દીકરી ઋષિકાનું આધારકાર્ડ ન હોવાથી ખેડાના સાંસદ અને મંત્રી દેવુસિંહે અને માતરના ધારાસભ્ય કેસરીસિંહે અંગત રસ લઈ ખેડા જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્રમાં દીકરી ઋષિકાના હૃદયમાં પડેલા છિદ્રના ઓપરેશન કરવી પડતી બધી ચિંતા કરી તેનું ઓપરેશન કેવી રીતે શક્ય બને તે માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના મંત્રીને ઉચ્ચ કક્ષાએ ભલામણ કરી હતી. અને આરોગ્ય વિભાગમાં બેઠેલા માનવતાનો અભિગમ ધરાવતા અધિકારીઓ અને પદાધિકારીઓએ પણ આ દીકરીના ઓપરેશન અંગે સરકાર તરફથી મળતી તમામ મદદ માટે સંનિષ્ઠ પ્રયત્નો કર્યા. જેના પગલે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આ બાળકીનું ઓપરેશન તદ્દન નિઃશુલ્ક કરવા માટે વહીવટી મંજૂરી પુરી કરી દીધી છે. ત્યારે દીકરીના માતા પિતાના ચહેરા પર હર્ષના આંસુ આવી ગયા હતા. પરિવારને આવી પડેલી આફતમાં ખેડાના સાંસદ અને મંત્રી,માતરના ધારાસભ્ય અને ખેડા જિલ્લા વહીવટી તંત્રમાં બેઠેલા અધિકારીઓની માનવતાના પગલે મૂળ રાજસ્થાનના કમલકુમાર તિવારીના પરિવારમાં હર્ષનું મોજું ફરી વળ્યું છે.અને ક્ષણે ગુજરાત સરકારનો હર્ષના આંશુએ આભાર માની વંદન કરે છે.રાજસ્થાનના કમલકુમાર તિવારીના પરિવારની ૧૨ વર્ષની દીકરી ઋષિકાને હમણાં જ ૧૫ દિવસ પહેલા તેની ડાબી આંખે દેખાવાનું ઓછું થવા માંડ્યું હતુ. આ બાબતે દીકરીએ પોતાના પિતાજીને વાત કરતા તેના પિતાજી પહેલા નડિયાદ સંતરામ મંદિરની હોસ્પિટલમાં બતાવ્યું. ત્યાં તેમને તેનો ઈકો કઢાવવા માટે જણાવ્યું. ઇકોના રિપોર્ટ દરમ્યાન ખબર પડી કે તેને હદયમાં નાનું છિદ્ર છે. આવા સમયમાં પરિવારની પડખે ખેડા જિલ્લા આરોગ્યના અધિકારીઓના અને ખેડા જિલ્લા સાંસદના પ્રયત્નથી બાળકીનું હવે વિનામૂલ્યે ઓપરેશન થશે. સેવાના કોઈ સીમાડા નથી હોતા. વ્યક્તિ પ્રાંતની હોઈ કે પરપ્રાંતીય પરંતુ સેવાના સંકલ્પ સાથે કામ કરનારા જનતાના કોઈ ચુંટાયેલા પ્રતિનિધિ હોય કે વહીવટી તંત્રમાં બેઠેલા અધિકારીઓ હોય જાે તેઓ માનવીય અભિગમ દર્શાવી સેવાનો હાથ લંબાવે અને પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે તો સામાન્ય જનતાના દુઃખ દૂર થાય છે. માતરમાં ૫ વર્ષથી રહેતા અને મૂળ કમલકુમાર તિવારી પોતાના પરિવાર સાથે માતાવાળી પોળમાં રહે છે. પરિવારમાં એક દીકરો મોટો છે અને ૧૨ વર્ષની દીકરી ઋષિકા છે. તેને ૧૫ પહેલા આંખે દેખાવાનું ઓછું થતા નિદાન થયું કે તેના હૃદયના વાલ્વમાં છિદ્ર છે. જેથી માતા જ્યોતિબેન અને પિતા કમલકુમારને ચિંતા થવા લાગી. કારણ પરિવાર મધ્યમ વર્ગીય હોય દીકરીનો ખર્ચ ઉઠાવી શકે તેમ ન હોતા. આ બાબતની જાણ માતરના ભાજપના કાર્યકર અજીતસિંહ બાપુ અને મેહુલ સિપલાને થતા તેમને સામાજિક કાર્યકર અને ભાજપના ખેડા તાલુકા કોષધ્યક્ષ કિરીટદાન બારોટને જાણ કરી. તેઓએ આ વાત ખેડા જિલ્લાના આરોગ્ય અધિકારી ડૉ. રજનીકાંત કાપડીયાને અને ખેડાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી દેવુસિંહ સુધી વાત પહોંચાડી હતી.
