સ્કોર્પિયો કારનો માલિક હિરેન મનસુખ ગુમ થયો હોવાની ફરિયાદ તેના પરિવારે નોંધાવી હતી, થાણેની ગટરમાંથી તેની લાશ મળી આવી
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મુંબઇ સ્થિત આલિસાન બહુમાળી ઘર એન્ટિલીયાની બહારથી મળી આવેલી એક શંકાસ્પદ સ્કોર્પિયો કારનો માલિક હિરેન મનસુખ મૃત હાલતમાં મળી આવ્યો છે. તેનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે કલાવા ક્રિકમાં કુદીને આત્મહત્યા કરી છે.
બાતમી મળતાં નૌપાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આ કેસની તપાસ હાથ ધરી છે. પોલીસનું કહેવું છે કે આ કેસ આત્મહત્યા જેવો લાગી રહ્યો છે. હવે આવી સ્થિતિમાં મોટો સવાલ એ છે કે હિરેને આત્મહત્યા શા માટે કરી?
હિરેન મનસુખ એ જ વ્યક્તિ હતા, જેની સ્કોર્પિયો કારનો ઉપયોગ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની પાસે જિલેટીન લઇ જવા માટે થયો હતો. આ જ કારમાંથી ધમકીભર્યો પત્ર અને કેટલાક વાહનોની નંબર પ્લેટ પણ મળી આવી હતી.
કારમાંથી 20 જીલેટીન સ્ટીક પણ મળી આવી હતી. જેનો ઉપયોગ વિસ્ફોટ માટે થાય છે. અને ધમકીભર્યો પત્ર મળ્યો હતો. પત્રમાં કહેવામાં આવ્યું હતું કે આ તો ફક્ત ટ્રેલર છે. નીતા ભાભી, મુકેશ ભૈયા .. આ તો માત્ર એક ઝલક છે. આગલી વખતે આ સામાન પૂર્ણ થઈને તમારી પાસે આવશે અને તેની સંપૂર્ણ વ્યવસ્થા થઇ ગઇ છે.
આ પછી, તપાસ અધિકારીઓએ ખુલાસો કર્યો હતો કે તે દિવસે બપોરે 1 વાગ્યાની આસપાસ સ્કોર્પિયો કાર ત્યાં પાર્ક થઈ હતી. ત્યાં બે વાહનો જોવા મળ્યા, સ્કોર્પિયો કાર ઉપરાંત એક ઇનોવા પણ હતી. સ્કોર્પિયો કારના ડ્રાઇવરે તેને ત્યાં મુકીને જતો રહ્યો હતો. સ્થાનિક પોલીસને શંકાસ્પદ કાર અંગેની જાણ અંબાણીના ઘરની સુરક્ષામાં તૈનાત કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.
આ ઘટના બાદ મુકેશ અંબાણી અને તેના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચ આ કેસની તપાસ કરી રહી છે. આ મામલે એક કથિત સંગઠને દાવો પણ કર્યો હતો. જો કે, હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી કે આ ઘટના પાછળ કોઈ સંગઠનનો હાથ છે કે નહીં. પરંતુ પોલીસ અને અન્ય એજન્સીઓએ આ મામલાને ગંભીરતાથી લીધો છે. હાલ તપાસ ચાલુ છે.
હિરેન મનસુખની લાશ મળ્યા બાદ પોલીસ પણ સાવધાન બની ગઈ છે. મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહ અને જોઇન્ટ પોલીસ કમિશનર મિલિંદ ભારમ્બે હાલમાં જ વિધાન ભવન પહોંચ્યા છે.
મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહ અને જોઇન્ટ કમિશનર મિલિંદ ભારમ્બે ત્યાંથી રવાના થયા. બંનેએ હિરેન મનસુખના મોત અંગે કંઇ પણ કહેવાની ના પાડી હતી. તેમણે માત્ર એટલું જ કહ્યું કે હિરેન મનસુખે આત્મહત્યા કરી છે, તેની પુષ્ટિ થઈ છે. અમે બાકીની માહિતી પછીથી અપડેટ કરીશું.
આ કેસમાં, એ પણ જાણવા મળે છે કે હિરેનના પરિવારે આજે તે ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. ત્યાં જ થાણેની ગટરમાંથી હિરેન મનસુખની લાશ મળી આવી. પોલીસે આ મામલા તપાસમાં લાગી ગઇ છે.