મોરબી,
મોરબીના હળવદ રેલવે સ્ટેશન પાસે બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં એક પ્રેમી યુગલે કોઈ અગમ્ય કારણોસર ગુડ્સ ટ્રેન નીચે ઝપલાવી આત્મહત્યા કરી લીધી હતી. પ્રેમી યુગલે ગુડ્સ ટ્રેન હેઠળ ઝંપલાવી દેતા યુવાનનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જયારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવતીને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું પણ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. ત્યારે આ ઘટનાને લઈ પોલીસ પણ ત્વરિત બનાવ સ્થળે પહોંચી ગઈ હતી.
બુધવારે બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં કચ્છના મુન્દ્રા તરફથી આવતી ગુડ્સ ટ્રેન હળવદ નજીક પહોંચી હતી ત્યારે પ્રેમી યુગલે ધસમસતી ટ્રેન સામે ઝંપલાવી દેતા બન્નેના મોત થયા હતા.
આ ઘટનામાં હળવદ તાલુકાના ચુલી ગામે રહેતા યુવાનનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જયારે યુવતીને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જાેકે, તેનું પણ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. મૃતક યુવતી ધ્રાંગધ્રા તાલુકાના ગોપાલગઢ ગામની હોવાનું સામે આવ્યું છે.


