Gujarat

રાજકોટમાં દારૂડિયાઓનો આતંક સ્થાનિકો પર હુમલો કર્યાની ફરિયાદ

રાજકોટ
રાજકોટ શહેરના માધાપર વિસ્તારમાં દારૂના નશામાં છાકટા બનેલા ૭ અસામાજિક તત્વો દ્વારા ગર્ભવતી મહિલા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેના પર પથ્થર અને પાઇપથી ઘાતકી હુમલો કરીને ગળું દબાવી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે આક્ષેપ કરનાર મહિલા પ્રિયાંશીબા જાડેજાએ જણાવ્યું હતું કે, ગઈકાલે અમારા ઘર સામે ૭ લોકો અભદ્ર ભાષામાં વાતચીત કરતા હતા. જેને લઈને મારા નણંદ ત્યાં ગયા હતા, અને ગાળો બોલવા માટે ના પાડી હતી. જેને લઈને ઉશ્કેરાયેલા આ શખ્સો તેઓને પણ માર મારવા લાગ્યા હતા. જેમાં પથ્થર અને પાઇપથી માર મારતા અમે પણ દોડી ગયા હતા. તેમ છતાં આ લોકો નાસી જવાને બદલે ચાકુ બતાવી ડરાવવા લાગ્યા હતા. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, એટલું જ નહીં હું ગર્ભવતી હોવા છતાં મને પણ એક પાઇપ મારી ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો. લાલો નામનાં શખ્સ સહિત સાતેક લોકો દ્વારા પથ્થરોનાં ઘા કરી મહિલાઓ સહિત બાળકોને પણ માર મારવામાં આવ્યો હતો આરોપીઓ લાંબા સમયથી દારૂ પીને આ વિસ્તારના લોકોને પરેશાન કરે છે. નોંધનીય છે કે, સ્થાનિકોના મતે માધાપર વિસ્તારમાં દારૂનું વેચાણ ખુલ્લેઆમ થઈ રહ્યું છે. જેના કારણે અસામાજિક તત્વોનો ત્રાસ દિવસે અને દિવસે વધી રહ્યો છે. ત્યારે પીડિતો દ્વારા તાત્કાલીક અસામાજિક તત્વોની ધરપકડ થાય તેમજ પીડિતોને ન્યાય મળે તે પ્રકારની માંગણી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *