રાજકોટ શહેર નવાગામ આણંદપરમાં ઠાકર મંદિરની બાજુમાં મામાવાડી પાસે રહેતા આકાશ પોલાભાઈ કાંજીયા નામનો ૨૧ વર્ષનો યુવાન નવાગામ રોડ પર મામાવાડી રસ્તા પાસે હતો. ત્યારે આમીરખાન શેખ, ઈરફાન શેખ, રીઝવાન શેખ, મકસુદ શેખ, સત્યામસિંગ રાજપૂત નામના પ શખ્સોએ લોખંડના પાઈપ અને સળીયા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતાં બનાવ હત્યામાં પલટાયો હતો. આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
યુવાનના મૃત્યુથી પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો છે. જ્યારે હત્યારા સત્યામસિંગ રાજપૂત ઉપર મૃતક આકાશ કાંજીયાએ છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હોવાના આક્ષેપ સાથે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછતાછમાં મૃતક આકાશ કાંજીયા અને તેની માતા લાભુબેન કાંજીયા વચ્ચે સવારમાં ઝઘડો થતાં બન્ને ગાળાગાળી કરતા હતા. ત્યારે પાડોશમાં રહેતા આમીરખાન શેખે ગાળો બોલવાની ના પાડતા આકાશ અને આમીરખાન વચ્ચે ઝઘડો થયો હતો.
