રાજકોટ: શહેરની એક પરિણીતાએ અમદાવાદમાં રહેતા પોતાના પતિ સહિત સાસરિયા વિરુદ્ધ મહિલા પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં પરિણીતાએ પતિની નજર પોતાની નાની બહેન ઉપર હોવાનો આરોપ મૂક્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના રૈયા રોડ પર પિયરમાં રહેતા જીજ્ઞાબેન નામની મહિલાએ હાલ અમદાવાદમાં રહેતા તેના પતિ દેવવ્રત સાથે થયા હતા. લગ્નના 4 વર્ષ બાદ સાસરિયાઓના ત્રાસથી કંટાળીને તેમણે ગત વર્ષે રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
જો કે આ ફરિયાદ મામલે સમાધાન થઈ જતાં જીજ્ઞાબેને કેસ પરત ખેંચી લીધો હતો. જો કે જૂના કેસની અદાવત રાખીને સાસરિયાઓ સતત પરેશાન કરતા રહેતા હતા. જીજ્ઞાબેનની ફરિયાદ મુજબ, તેમનો પતિ દેવવ્રત તેની નાની સાળી પર ખરાબ નજર રાખતો હતો. આટલું જ નહીં, તેઓ તેની નાની બહેન સાથે સેટિંગ કરાવી આપવા માટે જીજ્ઞા પર સતત દબાણ કરતા રહેતા હતા. ગત સપ્ટેમ્બર મહિનામાં તેમણે મારી સાથે ઝઘડો કરીને મને મારી નાંખવાની ધમકી આપી હતી.
હાલ પરિણીતાની ફરિયાદના આધારે પોલીસે તેના પતિ, સાસુ-સસરા અને બન્ને નણંદો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
