રાજકોટ શહેર મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલના જણાવ્યા મુજબ આ વર્ષે કોરોના મહામારીના કારણે વેરા વિભાગ દ્વારા બાકીદારો વિરુદ્ધ સખ્તાઈ કરવામાં નહીં આવે પરંતુ વર્ષોથી વેરો ભરપાઈ ન કરનાર એક લાખથી વધુ વેરો બાકી હોય તે પ્રકારના ડીફોલ્ટરો સામે નવી રીક્વરી ઝુંબેશ કરવામાં આવશે. દર વર્ષે વેરા વિભાગના કર્મચારીઓ દ્વારા વોર્ડેવાઈઝ ડીફોલ્ટરોની યાદી મુજબ તેમના ઘરે જઇને નોટીસ આપી મીલકત વેરાની ઉઘરાણી કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે વેરા વિભાગનો મોટાભાગનો સ્ટાફ કોરોનાની કામગીરીમાં વ્યસ્ત હોય મનપાએ નવો રસ્તો અપનાવ્યો છે. જેમાં દરરોજ ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન કરતી ટીપરવાનને રીક્વરીની કામગીરી સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે વેરા વિભાગના સ્ટાફનો સમય પણ બચી જશે અને એક પણ ઘર છુટ્યા વગર ટીપરવાન દ્વારા વેરાની ઉઘરાણી પણ થઇ શકશે.
વેરા વિભાગ દ્વારા આ વખતે એક લાખથી વધુ વેરો બાકી હોય તે પ્રકારના ડીફોલ્ટરોની યાદી તૈયાર કરી વોર્ડેવાઈજ તેમજ વિસ્તાર વાઈઝ ફરતી ટીપરવાનના ડ્રાઈવરને લીસ્ટ આપવામાં આવશે. ડ્રાઈવર દરેક વિસ્તારમાં ઘરે-ઘરે કચરો લેવા જાય ત્યારે બાકીદારોને જાહેરમાં તમે મિલકત વેરો કેમ નથી ભરતા તેમ કહી વેરો ભરવા માટે સૂચના આપશે. જેના માટે પ્રથમ એક લાખથી વધુ વેરો બાકી હોય તે પ્રકારના ડીફોલ્ટરોના ઘર ઉપર સ્ટીકર મારવામાં આવશે. આ સ્ટીકરના આધારે ટીપરવાનનો ડ્રાઈવર નક્કી કરી શકશે કે આ મકાનનો મિલકત વેરો બાકી છે. જેના આધાર ઉપર ટીપરવાનનો ડ્રાઈવર મકાનના આસામી પાસેથી વેરાની ઉઘરાણી કરશે. માણસો વચ્ચે છડે ચોક ટીપરવાનના સંચાલક દ્વારા વેરાની ઉઘરાણી કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા કમિશનર ઉદિત અગ્રવાલ.