( 100 ચોરસ વારના પ્લોટ અને સાંથણીની જમીન બાબતે રજુઆત )
ધ્રાંગધ્રા-સુરેન્દ્રનગર :
ધ્રાંગધ્રાના રાજચરાડી ગામે આર્થિક રીતે પછાત વર્ગના લોકોને છેલ્લા ઘણા વર્ષોથી મફત 100 ચો. વારના પ્લોટની ફાળવણી કરવામાં આવી નથી. સાથે સાંથણીની ખેતી કરવા લાયક જમીનની ફાળવણી કરવામાં આવતી ન હોવાથી સુરેન્દ્રનગરના યુવા વકીલ હિતેશ ચાવડા દ્વારા આજ રોજ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ હતી. જેમાં રાજચરાડી ગામના અનુસૂચિત જાતિ, દેવીપૂજક અને અન્ય અતિ-પછાત વર્ગના લોકોને મફત 100 ચોરસ વારના ઘરથાળ પ્લોટ અને સાથણીની ખેતી લાયક જમીન મળે તેવી લેખિતમાં રજૂઆત સાથે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. અગાઉ પણ તાલુકા કક્ષાએ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી. પરંતુ આગળ કોઈ જ પ્રકારની કાર્યવાહી ન થતાં ફરીથી રજૂઆત કરવાની નોબત પડી હતી. ત્યારે આર્થિક રીતે પછાત લોકોનું કહેવું છે કે, “જો 30 દિવસમાં કોઈ યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવામાં આવશે”. જો કે આર્થિક પછાત વર્ગના લોકો માટે સરકાર કટિબદ્ધ છે તયારે પ્રશાસન તરફથી આ બાબતે તત્કાલ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા “8 દિવસમાં યોગ્ય પગલા હાથ ધરવામાં આવશે” તેવું જણાવ્યું હતું.