- રવિવારે 13,625 લોકોએ કોરોનાની વૅક્સીન લીધી
- રાજ્યમાં કુલ કેટલા લોકો કોરોનાથી સંક્રમિત?
ગાંધીનગર:
ગુજરાતમાં ઓછા થઈ રહેલા કોરોનાના કેસોનો અંદાજો એ વાતથી જ લગાવી શકાય છે કે, રવિવારે રાજ્યના 18 જિલ્લા અને એક મહાનગર પાલિકા વિસ્તારમાં એક પણ નવો કેસ સામે નથી આવ્યો. અમદાવાદ જિલ્લા (ગ્રામીણ), અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, સુરેન્દ્રનગર, તાપી અને વલસાડ જિલ્લામાં રવિવારે એક પણ કોરોનાનો નવો કેસ નથી નોંધાયો.
છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં 244 નવા કેસ નોંધાવાની સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 2,63,444 પર પહોંચી ગઈ છે. જેમાં માત્ર અમદાવાદ અને વડોદરા શહેરમાં 50થી વધુ ક્રમશ: 53 અને 64 નવા કેસ નોંધાયા છે. જ્યારે અન્ય શહેરોમાં 50ની નીચે નવા કેસ સામે આવ્યા છે. જ્યારે માત્ર એક મરણ નોંધાતા કુલ 4395 દર્દીઓએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલ 2379 એક્ટિવ કેસો છે.
ગત એક દિવસમાં 355 લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે. આમ અત્યાર સુધી કુલ 2,56,677 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આમ રાજ્યમાં રિકવરી રેટ 97.43 પર પહોંચી ગયો છે.
રવિવારે 13,625 લોકોએ કોરોનાની વૅક્સીન લીધી
રાજ્યમાં કોરોના વૅક્સીનેશન અભિયાનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. જેમાં રવિવારે રાજ્યમાં 13,625 લોકોએ કોરોનાની રસી લીધી છે. આ સાથે જ રાજ્યમાં 4.55 લાખથી વધુ લોકો રસી લઈ ચૂક્યાં છે.
રાજ્ય સરકારના સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા મુજબ, ગુજરાતમાં ગત 16 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવેલા કોરોના વૅક્સીનેશન અભિયાન અંતર્ગત અત્યાર સુધી 4,55,179 લોકોએ કોરોનાની રસી લઈ લીધી છે. રાજ્યમાં પ્રથમ તબક્કા બાગ હવે વૅક્સીનેશન અભિયાનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. રવિવારે કુલ 16,625 લોકોએ 555 રસીકરણ કેન્દ્રો પરથી વૅક્સીન લીધી છે. સ્વાસ્થ્ય વિભાગ તરફથી દાવો કરવામાં આવ્યો છે કે, વૅક્સીન લઈ ચૂકેલા આ લોકોમાં કોઈને પણ ગંભીર આડઅસર જોવા નથી મળી.