Gujarat

રાજ્યમાં ચાઇનીઝ દોરી ઉપર સંપૂર્ણ પ્રતિબંધ: કડક સર્વેલન્સ હાથ ધરાશે અને દોષિતને કડક સજા આપવા CMની સૂચના

  • ઉત્તરાયણમાં પતંગ દોરા-પતંગથી ઘાયલ થતા પક્ષીઓના જીવ બચાવવા 10 દિવસીય કરૂણા અભિયાન- 2021

  • ઘાયલ પક્ષીઓની સારવાર સમયે કોવિડ અને બર્ડફ્લુની SOPનું પાલન કરવા મુખ્યમંત્રીનો અનુરોધ

ગાંધીનગર: ઉત્તરાયણ પર્વમાં પક્ષીઓ પતંગની દોરીથી ઘાયલ-ઇજાગ્રસ્ત ના થાય તે માટે રાજ્યમાં ચાઇનીઝ દોરી ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ માટે કડક સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે અને દોષિતોને કડક સજા કરવા વહીવટી તંત્રને સીએમ રુપાણીએ આદેશો પણ આપ્યા છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉત્તરાયણના તહેવારો દરમ્યાન પતંગ દોરા-પતંગથી ઘાયલ થતા પક્ષીઓના જીવ બચાવવાના કરૂણાસભર ભાવ સાથે રાજ્યવ્યાપી કરૂણા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં 10 દિવસ સુધી સઘન રીતે હાથ ધરાઇ રહેલા આ અભિયાનમાં સહયોગી સંગઠનો અને રાજ્ય સરકારના વન, પશુપાલન સહિતના વિભાગોના કર્મયોગીઓ સાથે સંવેદનાસભર સંવાદ સાધી માર્ગદર્શન પુરૂં પાડયું હતું.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વન વિભાગ દ્વારા સંચાલિત ઘાયલ પશુ-પક્ષી સારવાર કેન્દ્ર રેસ્કયુ સેન્ટરમાં ચાલી રહેલી પક્ષી સારવાર સુવિધાઓનું વિડીયો કોન્ફરન્સથી નિરીક્ષણ પણ આ કરૂણા અભિયાન અન્વયે કર્યુ હતું.

તેમણે કરૂણા અભિયાનમાં સહભાગી થઇ રહેલી વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના હોદ્દેદારો તથા સંબંધિત વિભાગો સાથે ચર્ચા-વાર્તાલાપ કરીને જરૂરી સૂચનો પણ કર્યા હતા.

કરૂણા અભિયાન દ્વારા સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં પ૦ હજારથી વધુ અબોલ પક્ષી, પ્રાણીઓના જીવ આપણે બચાવી શકયા છીએ.ગુજરાતમાં મકરસંક્રાતિ દરમિયાન ઘાયલ પક્ષીઓના જીવ બચાવવા- જીવદયાને પ્રાધ્યાન્ય આપવા 2017થી વ્યાપક સ્વરૂપે કરૂણા અભિયાનનું આયોજન કરવામાં આવે છે. રાજ્યભરની જીવદયા સંસ્થાઓ આ કાર્યમાં મોટી સંખ્યામાં સહભાગી થાય છે. જેના પરિણામે આ અભિયાન સફળ બનાવી શક્યા છીએ. વન વિભાગ, પશુપાલન વિભાગ, મહાનગરપાલિકા તંત્ર પણ આ અભિયાનમાં સક્રિયતાથી પશુપંખીઓના જીવ બચાવવાનું, ઘાયલ પક્ષી સારવારનું જીવદયા કાર્ય કરે છે તેની તેમણે પ્રસંશા કરી હતી.

ગુજરાતમાં કોવિડ-19 અને છેલ્લા થોડાક દિવસથી પક્ષીઓમાં બર્ડ ફ્લુના પણ છૂટા છવાયા કેસ જોવા મળ્યા છે. તેની સામે સાવચેતીના ભાગરૂપે ઘાયલ પક્ષીઓની સારવારમાં જોડાયેલા સૌ કોઇ રાજ્યની સરકારની SOPનું અમલ કરે તે જરૂરી છે. બર્ડ ફ્લુનો ચેપ બીજા પક્ષીમાં ન ફેલાય તેની કાળજી રાખવી પડશે તેવો મુખ્યમંત્રીએ વિવિધ સંસ્થાઓને અનુરોધ પણ કર્યો હતો.

રાજ્યમાં મક્રરસંક્રાંતિ પર્વ દરમિયાન એકપણ અબોલ પક્ષીનો જીવ ન જાય તે માટે પશુપાલન વિભાગ, વન વિભાગ દ્વારા પક્ષીઓની પ્રી- પોસ્ટ સારવાર માટે ICU, એમ્બ્યુલન્સ, પશુ-પંખીઓની સારવાર માટે 1962 હેલ્પલાઇન સહિતની જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં સહભાગી થવા સ્વૈચ્છિક સંસ્થાઓને મુખ્યમંત્રીએ અપીલ કરી હતી.

વન વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી રૂપાણીના નેતૃત્વમાં ઉત્તરાયણ પર્વમાં ઘાયલ પક્ષીઓને બચાવવાનું આ અભૂતપૂર્વ અભિયાન છે. અત્યાર સુધીમાં આ અભિયાન થકી હજારો ઘાયલ પક્ષીઓના જીવ બચાવવામાં આવ્યા છે. તા. 11 થી 20 જાન્યુઆરી દરમિયાન યોજાનાર આ અભિયાનને સફળ બનાવવા પશુપાલન, વન વિભાગ, મહાનગરપાલિકાઓ અને વિવિધ 250 જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓ સહભાગી બની છે.

તેમણે કહ્યું હતું કે, કોવિડ અને બર્ડ ફ્લુની SOPનું યોગ્ય પાલન થઈ શકે તેમ માટે PPE કીટ પહેરીને ઘાયલ પક્ષીઓને બચાવવાની કામગીરી કરવી જરૂરી છે. આ માટે અંદાજે 20,000 PPE કિટનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે. આ મહાનગરપાલિકા સહિત સંબંધિત કચેરીએ ઉપલબ્ધ થઈ શકશે. ચાલુ વર્ષએ કરૂણા અભિયાનમાં 421 સારવાર કેન્દ્રો, 71 મોબાઇલ વાન, 37 કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ તથા 529 પશુ ચિકિત્સકો ઉપરાંત કર્મચારીઓ અને સ્વંયસેવકો સહભાગી થયા છે તેમ તેમણે ઉમેર્યું હતું.

ગાંધીનગર ખાતે વન મંત્રી ગણપત વસાવા, પશુપાલન મંત્રી કુંવરજી બાવળીયા, પશુપાલન રાજ્યમંત્રી બચુ ખાબડ, વન રાજ્ય મંત્રી રમણલાલ પાટકર આ અભિયાનના ઉદ્દઘાટન પ્રસંગે સહભાગી થયા હતા.

આ પ્રસંગે પશુપાલન વિભાગના સચિવ નલીન ઉપાધ્યાય, વન વિભાગના અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધી ફોરેસ્ટ પોસ્ટ ડૉ. ડી. કે.શર્મા, પશુપાલન નિયામક ફાલ્ગુનીબેન ઠાકર તેમજ કાર્યક્રમના સ્થળે પશુપાલન વિભાગ, વન વિભાગ સહિત વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *