Gujarat

રામાયણમાં રાવણની ભૂમિકા ભજવનારા અરવિંદ ત્રિવેદીનું નિધન

રામાનંદ સાગરની ખૂબ જ લોકપ્રિય પૌરાણિક સીરિયલ રામાયણમાં રાવણની ભૂમિકા ભજવનારા અરવિંદ ત્રિવેદીએ આ દુનિયાને અલવિદા કહી દીધી છે. તેમનું 83 વર્ષની ઉંમરમાં નિધન થઈ ગયું છે. મંગળવારે રાતે અરવિંદ ત્રિવેદીને હાર્ટ એટેક આવ્યું ત્યારબાદ તેમનું નિધન થઈ ગયું છે. અરવિંદ ત્રિવેદી લાંબા સમયથી બીમાર હતા. આ કારણે તેઓ ઘણા દિવસોથી બેડ પર જ હતા. અરવિંદ ત્રિવેદીના ભત્રીજા કોસ્તુભ ત્રિવેદીએ તેમના નિધનની પુષ્ટિ કરતા કહ્યું કે મંગળવારે રાતે લગભગ 10 વાગ્યે તેમનું નિધન થઈ ગયું હતું.તેણે કહ્યું કે કાકા છેલ્લા કેટલાક વર્ષોથી બીમાર રહેતા હતા. છેલ્લા ત્રણ વર્ષથી તેમની તબિયત કંઈક વધારે જ ખરાબ રહેવા લાગી હતી. એવામાં તેમને બે-ત્રણ હૉસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા હતા. મંગળવારની રાતે તેમને હાર્ટ એટેક આવ્યું અને તેમણે કાંદિવલી સ્થિત પોતાના ઘરમાં છેલ્લા શ્વાસ લીધા. રામાયણ બાદ અરવિંદ ત્રિવેદીએ કેટલાક અન્ય કાર્યક્રમોમાં પણ કામ કર્યું હતું. ‘વિક્રમ ઓર વેતાલ’ સિવાય હિન્દી સીરિયલ્સ અને ફિલ્મોમાં અરવિંદ ત્રિવેદીની એક્ટિંગ જોવા મળી.રામાનંદ સાગરની ખૂબ જ લોકપ્રિય પૌરાણિક સીરિયલ ‘રામાયણ’માં રાવણની ભૂમિકાએ તેમને ખૂબ જ લોકપ્રિયતા અપાવી અને આજે પણ લોકો તેમને એ જ ભૂમિકથી યાદ કરે છે. તેમણે 200થી પણ વધારે ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું. એ સિવાય કેટલાક ગુજરાતી નાટકોમાં પણ શાનદાર એક્ટિંગ કરતા નજરે પડ્યા હતા. રામાયણમાં રાવણની ભૂમિકા બાદ કેટલીક ભૂમિકાઓમાં છાપ છોડ્યા બાદ અરવિંદ ત્રિવેદી ભારતીય જનતા પાર્ટી (BJP)માં સામેલ થઈ ગયા હતા. તેમણે સાબરકાંઠાથી BJPની ટિકિટ પરથી ચૂંટણી લડી હતી. રાવણની પૌરાણિક ભૂમિકાની સફળતાના બદલામાં તેમણે ચૂંટણી પણ જીતી હતી. વર્ષ 1991થી વર્ષ 1996 સુધી લોકસભાના સાંસદ પણ રહ્યા હતા.આ વર્ષે મે મહિનામાં અરવિંદ ત્રિવેદીના નિધનના સમાચાર સામે આવ્યા હતા જેના પર તેમના ભત્રીજાએ તેને અફવા ગણાવતા ફૂલસ્ટોપ લગાવી દીધો હતો. એ સિવાય રામાયણના લક્ષ્મણની ભૂમિકા ભજવનારા સુનિલ લહરીએ આ અફવા પર ભડકતા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. અરવિંદ ત્રિવેદીનો જન્મ મધ્ય પ્રદેશના ઉજ્જૈન શહેરમાં થયો હતો. તેમના કરિયરની શરૂઆત ગુજરાતી રંગમંચ પરથી થઈ હતી. એક્ટરના ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદી ગુજરાતી સિનેમાનું ચર્ચિત નામ રહ્યું છે અને ગુજરાતી ફિલ્મોમાં એક્ટિંગ કરી ચૂક્યા છે.   

WhatsApp-Video-2021-10-06-at-1.09.55-PM_2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *