મુંબઈ, તા.૨૯
ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમ સામે રવિવારે રમાયેલી ત્રીજી વન-ડે મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાની સ્ટાર ખેલાડી રેચલ હેન્સને હેમસ્ટ્રિંગની ઈજાના કારણે મેચને અધવચ્ચેથી પડતી મૂકવી પડી હતી. ઈજાના કારણે તે ભારત સામે ૩૦મીથી રમાનારી એકમાત્ર ડે-નાઇટ ટેસ્ટ અને ત્યારપછી રમાનારી ત્રણ ટી૨૦ ઇન્ટરનેશનલ મેચની શ્રેણી ગુમાવશે. આ સ્થિતિમાં ભારતને ફાયદો થઈ શકે છે. ડે-નાઇટ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા તરફથી જ્યોર્જિયા વેરહામ ડેબ્યૂ કરી શકે છે અને હેન્સના સ્થાને બેથ મુની સિનિયર ખેલાડી એલિસા હિલી સાથે ઇનિંગ્સનો પ્રારંભ કરી શકે છે. ઓસ્ટ્રેલિયાના હેડ કોચ મેથ્યૂ મોટે જણાવ્યું હતું કે, રેચલની હેમસ્ટ્રિંગની થોડીક ગંભીર છે જેના કારણે તે થોડીક હતાશ થયેલી છે. તે અમારી મહત્ત્વપૂર્ણ ખેલાડી છે. જ્યોર્જિયા ફરીથી રમવા માટે સંપૂર્ણ ફિટ થઈ ચૂકી છે અને તેને તક મળવી જાેઈએ. તે વિકેટ ટેકર બોલર છે. ટીમની બાકીની તમામ ખેલાડી ફિટ છે અને ભારત સામેની ડે-નાઇટ ટેસ્ટ માટે તૈયાર થઈ ચૂકી છે.