જેતપુર: ત્રણ જીલ્લાઓના ૪૬ ગામોને સિંચાઈનું પાણી પુરી પાડતી સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી ભાદર કેનાલમાં શિયાળું પાકના પિયત માટે પાણી છોડવામાં આવ્યું હતું. પરંતુ કેનાલની કોઈ પણ જાતની સફાઈ કર્યા વગર પાણી છોડાતા કેનાલમાં રહેલ કચરાને કારણે માઇનોર કેનાલ જામ થઈ પાણી છલકવાની ભીતી સેવાઈ રહી છે
ઈ.સ .૧૯૫૪માં ૪૫૪.૭૫ લાખના ખર્ચથી સિંચાઇના હેતુથી ભાદર ડેમ કે જેની ૬૬૪૮ એમસીએફટી પાણી સમાવવાની ક્ષમતા ધરાવવા સાથે સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ છે. જ્યારે આ ડેમની કેનાલ ૧૯૫ કિમી સ્ત્રાત સાથે સૌરાષ્ટ્રની સૌથી મોટી કેનાલ છે અને કેનાલ દ્વારા રાજકોટ, પોરબંદર અને જૂનાગઢ જિલ્લાના ૪૬ ગામોની ૨૬૮૪૨ હેક્ટર જમીનને સિંચાઇનુ પાણી પૂરુ પાડે છે.
જેમાં ચાલુ વર્ષે સૌરાષ્ટ્રમાં જરૂરીયાત કરતા ઘણો વધુ વરસાદ પડતા મોટા ભાગનો પાક ધોવાય ગયો અથવા તો બગડી ગયો. ચોમાસુ પાક નિષ્ફળ જતા ખેડૂતો રવિ પાક પર આશા રાખીને બેઠા છે. ત્યારે ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો આજે ભાદર સિંચાઈ વિભાગ દ્વારા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું. આ અંગે ડેમના ઈજનેર હિરેન જોશીએ જણાવેલ કે, ઉભા પાક માટે ત્રણ અને રવિ પાક માટે છ પાણ આપવામાં આવશે.
કેનાલમાં પાણી છોડતા પૂર્વે દર વર્ષે તેની સફાઈ કરવામાં આવતી હોય છે. પરંતુ ચાલુ વર્ષે રવિ પાકના સિંચાઈ માટે આજે સિંચાઈ વિભાગ દ્વારા કેનાલની કોઈ પણ જાતની સફાઈ કર્યા વગર પાણી છોડવામાં આવ્યું છે. હાલ કેનાલમાં પુષ્કળ પ્રમાણમાં ઠેરઠેર જાળી જાંખળા ઉગી નીકળેલ છે અને જાણે વોકળો હોય તેટલો કચરાથી કેનાલ લથબથ ભરાયેલ છે. ઉપરાંત ડેમથી નજીક તો કેનાલને જાણે પુરાણ કરી દીધી હોય તેટલી માટીથી જામ થઈ જતા સાવ છીછરી થઈ ગયેલ જોવા મળે છે. અને કેનાલમાં પાણી છોડતા આ બધો કચરો તેમજ જાળી જાંખણાં તણાઈને આગળ માઇનોર કેનાલમાં પહોંચી જાય અને માઇનોર કેનાલમાં કચરો પહોંચવાથી તે કેનાલ જામ થઈ જાય જેથી બધું પાણી છલકાઈને જે તે ખેતરોમાં ઘુસી જવાથી તે ખેતરોમાંના વાવેતરનું ધોવાણ થઈ જાય તેવી સંભાવના સેવાઈ રહી છે.
આ અંગે સિંચાઈ ઈજનેર જોશીએ જણાવેલ કે કેનાલમાં પાણી આગળ વધે તેની સાથે સફાઈની કામગીરી પણ કોન્ટ્રાકટર દ્વારા ચાલુ જ છે. જોકે, ઇજનેરની આ વાત કોઈ રીતે માની ન શકાય તેવું ખેડૂતો જણાવી રહ્યા છે કેમ કે, કેનાલની સફાઈ થઈ ગયા બાદ પાણી છોડવાનું હોય છે. નહીં કે પાણી ચાલુ હોય તે દરમીયાન અને પાણી ચાલુ હોય તે દરમીયાન કેનાલમાં સફાઈ પણ શક્ય નથી.
ચીમકીના પગલે સરકારે પ્રારંભમાં દસ હજાર હેકટરને પાણી આપવાનું નક્કી કરેલ અને તે માટે પાંચ હજાર હેકટર જમીનના ફોર્મ ભરાય ત્યાર બાદ કેનાલમાં પાણી છોડવાનું નક્કી થયેલ પરંતુ ધારાસભ્ય લલિત વસોયાએ હાલ ખેડૂતોને પાકના પિયત માટે પાણીની જરૂર હોય ભાદર કેનાલ જો સિંચાઈ વિભાગ નહિ છોડે તો પોતે ખેડૂતો સાથે મળીને કેનાલ છોડી દેશે તેવી ચીમકી મારી હતી. જેથી લલિત વસોયા ક્યાંક કેનાલમાં પાણી છોડવાનો જશ ન ખાટી જાય તે માટે સિંચાઈ વિભાગ દ્વારા હજુ કેનાલની સફાઈ થઈ ન હોવા છતાં છોડી દીધી હોવાનું લાગી રહ્યું છે.
હરેશ ભાલીયા જેતપુર


