જુનાગઢ
ક્રિસમસ અને થર્ટી ફસ્ટના તહેવારોને લઈ ઠેક ઠેકાણે પાર્ટીઓમાં દારૂ પીરસવા માટે બુટલેગરો અગાઉથી જ તૈયારી કરી લે છે. જેને રોકવા માટે પોલીસ વિભાગે પણ કમ્મર કસી છે. જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી જિલ્લાભરમાં એલસીબી, સ્થાનિક પોલીસની ટીમો સક્રિય રીતે પેટ્રોલીંગ કરી રહી છે. દરમિયાન જૂનાગઢના ગાંધીગ્રામમાં આવેલા સંજયનગરમાં રહેતા જીગ્નેશ ઉર્ફે જગુ, અમીન અલારખા સેતા અને સોહીલ યાસીન સેતાએ વંથલી તાલુકાના ધંધુસર ગામની સીમમાં દારૂનો જથ્થો ઉતાર્યાની જિલ્લા ક્રાઈમ બ્રાંચના પીઆઈ એચ.આઈ.ભાટ્ટીને ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે ગઈકાલે શુક્રવારે મોડી સાંજે બાતમી વાળા સ્થળે એલસીબીના સ્ટાફે દરોડો પાડ્યો હતો. પોલીસ ધંધુસર ગામની ગૌચરની જમીનમાં અંધારામાં કાચા માર્ગ પર ચાલીને ટોર્ચ લાઈટના અજવાળે સ્થળ પર પહોંચી હતી. ત્યારે ત્યાં તપાસ કરતા એક બોલેરો જીપ નં. જી.જે. ૦૩ બી.ડબલ્યુ ૪૫૪૨ નજરે પડી હતી. તેમજ તેની આસપાસ કોઈ વ્યક્તિ જણાયું ન હતું. જ્યારે બોલેરોના ઠાઠામાં ભુસાના બાચકા નજરે પડ્યા હતા, જે હટાવીને જાેતા ખાખી કલરના બોક્સમાંથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ બોલેરોમાંથી મળેલા ખાખી બોક્સમાંથી હરિયાણાની બનાવટનો વિવિધ બ્રાન્ડનો ૧૩૭ પેટી, બોટલ નંગ ૧૬૪૪, કિંમત રૂ. ૬ લાખ ૫૭ હજારનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. તેમજ રૂ. ૫ લાખની બોલેરો કબ્જે કરાઈ હતી. આ બોલેરોની તલાશી લેતા તેમાંથી હરજી રાજા મુંઘવા નામના પી.યુ.સી.સર્ટી, આર.સી. બુક, વીમા પાર્સીંગ મળી આવ્યા હતા. જેના આધારે ક્રાઈમ બ્રાંચે વંથલી પોલીસમાં જૂનાગઢના બુટલેગરો જીગ્નેશ ઉર્ફે જગદીશ પબા રબારી, અમીન અલારખા અને સોહીલ યાસીન સેતા સામે ગુનો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ દરોડામાં એલસીબીના પીએસઆઈ ડી.જી.બડવા, એ.ડી.વાળા, વી.એન.બડવા, વિક્રમભાઇ ચાવડા, સાહિલ સમા, ડાયાભાઇ કરમટા, કરશનભાઇ કરમટા સહિતના લોકોએ સરાહનીય ફરજ બજાવી હતી.નાતાલ અને થર્ટી ફસ્ટના તહેવારને લઈ જૂનાગઢના બુટલેગરોએ વંથલી તાલુકાનાં ધંધુસર ગામની સીમમાં ઉતારેલા દારૂના જથ્થાનું કટીંગ થાય તે પહેલા જ ક્રાઈમ બ્રાંચની ટીમે દરોડો પાડ્યો હતો. તેમજ રૂ. ૬ લાખ ૫૭ હજારની કિંમતનો ૧૩૭ પેટી દારૂ તથા બોલેરો જીપ મળી કુલ રૂ. ૧૧.૫૭ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ મામલે જૂનાગઢના ત્રણ બુટલેગરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.
