વડોદરા
વડોદરા શહેરમાં પહેલીવાર એક સાથે ૪ દર્દીઓ ઓમિક્રોન મુક્ત થયા હતા. આ દર્દીઓમાં ૩ બાળકો અને એક યુવતીનો સમાવેશ થાય છે. આ તમામ એક જ પરિવારના હતા. કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેઓ ૧૩માં દિવસે સતત બીજાે રિપોર્ટ નેગેટિવ આવતા તેમને ઓમિક્રોન(કોરોના)મુક્ત જાહેર કરવામાં આવ્યાં હતા. જાેકે હાલમાં નબળી ઇમ્યુનિટી અને સાવચેતીના પગલારૂપે હોમ ક્વોરન્ટાઇન રહેવાની સલાહ આપવામાં આવી છે. તેઓ આગામી સાત દિવસ સુધી લોકોના સંપર્કમાં આવવાનું ટાળશે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં કુલ ૧૭ લોકો ઓમિક્રોન પોઝિટિવ આવ્યા છે. જેમાંથી ૧૩ની હજી પણ સારવાર ચાલી રહી છે. આ પરિવારના સભ્યો ખાંસી-શરદી થતાં આ વિસ્તારના એક ડેન્ટિસ્ટ સહિત બે તબીબો પાસે ગયા હતા. તેમના કેટલાક પરિવારજન અને સ્ટાફને પણ પાલિકાના ટ્રેસિંગ દરમિયાન આરટીપીસીઆર કરાવવો પડ્યો હતો. એટલું જ નહીં તેમને ક્વોરન્ટાઇન થવાની પણ ફરજ પડી હતી.વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં શહેરમાં કોરોનાના નવા ૧૦ કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં કોરોનાની કુલ કેસની સંખ્યા ૭૨,૫૮૪ ઉપર પહોંચી ગઇ છે અને અત્યાર સુધીમાં કુલ ૭૧,૮૬૩ દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૬૨૩ દર્દીના મોત થયા છે.
