વડોદરા
વડોદરાના માંજલપુર વિસ્તારમાં સનસનાટી મચાવી મૂકનારા આ બનાવની હકીકત એવી છે કે એ -૮, કલ્યાણબાગ સોસાયટીમાં ૭૬ વર્ષીય સવિતાબેન પટેલ અને તેમના પતિ પુત્ર સાથે રહે છે. સવારે લગભગ ૧૧ થી ૧૧.૩૦ વાગ્યાના સુમારે વૃદ્ધ પટેલ દંપતીનો જમાઇ વિશાલ અમીન આવી પહોંચ્યો હતો. અને વયોવૃદ્ધ સસરાની સામે સાસુ સવિતાબેન પટેલનાના માથામાં હથોડીનો ફટકો મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. જમાઈ પત્નીની હત્યા કરી રહ્યો હોવા છતાં લાચાર પતિ પત્નીને બચાવી શક્યા ન હતા. સાસુને મોતને ઘાટ ઉતાર્યા બાદ હત્યારો જમાઈ વિશાલ અમીન સીધો મકરપુરા પોલીસ મથકમાં હાજર થઈ ગયો હતો અને પોલીસને જણાવ્યું કે મેં મારા સાસુની હત્યા કરીને આવ્યો છું. મકરપુરા પોલીસે હત્યારાનો કબજાે લઇ સ્થળ પર તપાસ કરવા જતા આ હત્યાનો બનાવ માંજલપુર પોલીસ મથકની હદમાં બન્યો હોવાથી હત્યાના આરોપીને માંજલપુર પોલીસના હવાલે કરી દીધો હતો. દરમિયાન માંજલપુર પોલીસે હત્યારાની ધરપકડ કરી તપાસનો દોર શરૂ કર્યો હતો. આ બનાવ અંગે એ.સી.પી. એસ. બી. કુમાવતે જણાવ્યું હતું કે, મોતને ઘાટ ઉતારાયેલા સવિતાબેન પટેલ અને તેમની દીકરી વચ્ચે પણ અણબનાવ હતો. જેના કારણે જમાઈને પોતાની સાસુ પર રોષ હતો. આજે સાસુ-સસરા ઘરમાં એકલા હોઇ, જમાઈ વિશાલ ઘર પર પહોંચી ગયો હતો અને સાસુને મોતને ઘાટ ઉતારી દીધી હતી. મળેલી માહિતી પ્રમાણે મોતને ઘાટ ઉતારી દેવાયેલ સાસુ સવિતાબેન પટેલનો પુત્ર ગૌરવ અગાઉ બનાવટી દારૂ બનાવવાના કેસમાં વોન્ટેડ છે. જેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ગૌરવ દારૂના કેસમાં વોન્ટેડ થયા બાદ સાસુને જમાઈ અને દીકરી સાથે પણ બનાવ શરૂ થયો હતો. જેમાં સવિતાબેને તેમની દીકરીને ઠપકો આપતા જમાઈ રોષે ભરાયો હતો.હાલમાં કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા હત્યારા વિશાલ અમીન સામે માંજલપુર પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.વડોદરાના માંજલપુર કલ્યાણબાગ સોસાયટીમાં રહેતા સાસુની જમાઈએ માથામાં હથોડાનો ફટકો મારી મોતને ઘાટ ઉતારી દેતાં ચકચાર મચી ગઇ છે. વયોવૃદ્ધ સસરા સામે સાસુની હત્યા કરીને જમાઈ પોલીસ મથકમાં હાજર થઈ ગયો છે. પોલીસે હત્યારાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.