વડોદરા
વડોદરામાં કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની છાણીથી નીકળેલી યાત્રા નિઝામપુરા તરફ જઈ રહી હતી ત્યારે પાલિકા તરફથી રોડ પર પેચવર્ક કરાતું હતું. જેથી ભાજપના કેટલાક કાર્યકરોએ મજૂરોને સૂચના આપી પેચવર્કની કામગીરી બંધ કરાવી હતી. આખરે યાત્રા પસાર થયા બાદ ફરીથી કામગીરી શરૂ કરવામાં આવી હતી. શહેરના છાણી, નિઝામપુરા, સમા, કારેલીબાગ, ચાર દરવાજા વાઘોડિયા રોડ, આજવા રોડ, ન્યૂ વીઆઇપી રોડ, સોમા તળાવ, ડભોઇ રોડ, માંજલપુર, મકરપુરા, માણેજા, સુશેન તરસાલી, ગોરવા, સુભાનપુરા વિસ્તારમાં પેચવર્ક અને રોડા છારું માટે ૧૦૦ મે.ટન મટિરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પાલિકાના ઇન્ચાર્જ એન્જિનિયર શૈલેષ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, રોજ ૩૫૦ મે.ટન મટીરીયલ પેચ વર્ક માટે ઉપયોગમાં લેવામાં આવશે અને આ કાર્યવાહી સતત ૨૦ દિવસ સુધી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ વરસાદ ન પડે ને ઉઘાડ થાય તેની રાહ જાેવામાં આવી રહી છે.શહેરમાં ૨૮ કિલોમીટરથી વધુ લંબાઈના રસ્તા તૂટી ગયા છે ત્યારે વડોદરામાંથી મંત્રી બનેલાં બે ધારાસભ્યોની અકોટા સિવાયના ૪ વિધાનસભા મતવિસ્તારમાં નીકળેલી જન આશીર્વાદ રેલીને તૂટેલા રોડનું ગ્રહણ ન રહે તે માટે ૨૪ કલાક કરતા ઓછા સમયમાં ૧૦૦ મે. ટન વેટ મિક્સ પાથરી દેવામાં આવ્યું હતું. એક વિસ્તારમાં જાહેર માર્ગ પર થીંગડાં મરાતાં હતાં ત્યારે જ ત્યાંથી રેલી પસાર થઈ હતી. નજીવા વરસાદમાં રોડ પર પડેલા ખાડા પૂરવા માટે પાલિકા ઉઘાડની રાહ જાેઇ રહી હતી ત્યારે જન આર્શીવાદ યાત્રાનું આયોજન થતાં અનેક રોડ પર રાતોરાત ખાડા પૂરાઇ જતાં કંઇક અંશે લોકોએ રાહત અનુભવી હતી. જાે કે યાત્રા સિવાયના રોડ પર પુરાણ માટે લોકોએ હજી રાહ જાેવી પડશે. મહેસૂલ-કાયદા વિભાગના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને રાજયકક્ષાના મંત્રી મનીષા વકીલની ૪ વિધાનસભા મતવિસ્તારમાં જન આશીર્વાદ યાત્રાનું આયોજન ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું. જાેકે શહેરમાં ૫૦ હજારથી વધુ નાના-મોટા ખાડા રોડ પર પડી ગયા છે અને ૨૮ કિલોમીટરની લંબાઇ થાય તેટલા રોડ પણ તૂટી ગયા છે ત્યારે વરસાદમાં તેને મરામત કેવી રીતે કરવી તેનો પડકાર પાલિકા માટે ઊભો થયો હતો. આ સંજાેગોમાં કેબિનેટ મંત્રી અને રાજ્ય કક્ષાના મંત્રીનો રોડ શો ભાજપ દ્વારા વડોદરામાં યોજાયો હતો, જેમાં રાજેન્દ્ર ત્રિવેદીએ યાત્રાની શરૂઆત છાણીથી તો મનીષાબેન વકીલની યાત્રા હરણી હનુમાનજીના મંદિરથી શરૂ થઇ હતી. જેમાં પાલિકા માટે રાત ઓછી ને વેશ ઝાઝા જેવો ઘાટ સર્જાયો હતો અને રાતોરાત ખાડા પૂરવા કવાયત કરી હતી.
