વડોદરા
વડોદરા મહાનગર સેવા સદન દ્વારા મોટા પાયે અઢળક ખર્ચી સ્માર્ટ સિટી અંતર્ગત બ્યુટીફીકેશનના નામે તળાવો પાછળ વાપરેલ કરોડો રૂપિયા રદબાતલ ગયા હોય તેવું લાગે છે. આ પૈકી મોટાભાગના તળાવોની હાલત દયનીય બની ગઇ છે. છાણી, લક્ષ્મીપુરા, સિદ્ધનાથ, હરણી, વારસીયા સહિતના તળાવમાં પાણી સુકાઇ જવાની સાથે ગંદકીનું સામ્રાજ્ય છેલ્લા દોઢ વર્ષથી થઇ ગયું છે. કરોડો રૂપિયાનો ખર્ચો કર્યા બાદ હાલ આ તળાવો ગંદકી અને દુર્ગંધથી ખદબદી રહ્યા છે. ફરી એકવાર તંત્રના પોકળ આયોજનના પગલે કરોડો રૂપિયાના ખર્ચનો વેડફાટ થયો છે.
આથી ઐતિહાસિક વારસો ધરાવતું સિદ્ધનાથ તળાવ બ્યુટીફીકેશન બાદ મૃતપ્રાયઃ હાલતમાં થઇ ગયું છે. છેલ્લા ઘણા સમયથી તળાવમાં ગંદકી યથાવત જાેવા મળી રહી છે. તેવામાં હવે વરસાદી ગટર લાઈન મારફતે ડ્રેનેજના દૂષિત પાણી તળાવમાં છોડાતા તીવ્ર દુર્ગંધ વિસ્તારમાં ફેલાઇ છે. તળાવ રહેણાંક વિસ્તારમાં હોય મોટી સંખ્યામાં નાગરિકો તળાવ ફરતે વસવાટ કરે છે. તળાવની આસપાસ ઐતિહાસિક ધરોહર સમાન મંદિર પણ આવેલા છે. આ ઉપરાંત તળાવ કિનારે શાળા પણ આવેલી છે. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તળાવમાં ગંદકી અને દુર્ગંધના પગલે મચ્છરોનો ઉપદ્રવ વધવાની સાથે દુર્ગંધનું સામ્રાજ્ય પ્રસરતા નાગરિકોમાં તંત્ર વિરુદ્ધ આક્રોશ જાેવા મળ્યો હતો. વડોદરા મહાનગર સેવા સદનની વડી કચેરી ખંડેરાવ માર્કેટની પાછળ આવેલા સિદ્ધનાથ તળાવના બ્યુટીફિકેશ પાછળ પાલિકા દ્વારા કરવામાં આવેલ રૂપિયા ૬ કરોડથી વધુનો ખર્ચ વ્યર્થ ગયો છે. છેલ્લા ૧૦ દિવસથી તળાવમાં ગંદકીના કારણે દુર્ગંધ મારતા પાણીનો ઉમેરો થતા સ્થાનિકોમાં તંત્ર વિરુદ્ધ આક્રોશ ફાટી નીકળ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારના કોંગ્રેસના કોર્પોરેટર બાળુભાઇ સુરવે આ મામલે શરૂઆતથી જ લડત ચલાવી રહ્યા છે. આમ છતાં આ તળાવની દુર્દશા સુધારવા માટે સત્તાધારીઓ આંખ આડા કાન કરી રહ્યું છે. કોર્પોરેટરે જણાવ્યું હતું કે, આ તળાવની વહેલી તકે સફાઇ કરવામાં નહીં આવે તો નાછૂટકે આંદોલનનો માર્ગ અપનાવવાની ફરજ પડશે.


