વડોદરા
વડોદરા જિલ્લા એલસીબીનો સ્ટાફ આગામી ગ્રામ પંચાયતોની ચૂંટણીને ધ્યાનમાં લઇ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન માહિતી મળી કે ગોલ્ડન ચોકડી તરફથી એક ટેમ્પોમાં દારૂ આવી રહ્યો છે. અને આ ટેમ્પો કપુરાઇ ચોકડી થઇ ડભોઇ તરફ જવાનો છે. જે માહિતીના આધારે પોલીસે કપુરાઇ ચોકડી પાસે વોચ ગોઠવી દીધી હતી. દરમિયાન ટેમ્પો આવતા પોલીસે અટકાવ્યો હતો. પોલીસે ટેમ્પોમા તપાસ કરતાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટેમ્પોમાથી રૂપિયા ૧૪,૭૬,૦૦૦ની કિમતનો દારૂ તેમજ ટેમ્પો મળી કુલ્લે રૂપિયા ૨૨,૮૨,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તે સાથે પોલીસે ટેમ્પો ચાલક ઇશાક હુસૈનખા મુડા રહે. ધામનોડ ગામ, ધરમપુરી, મધ્યપ્રદેશની ધરપકડ કરી હતી.દારૂ લઇ રતનપુર આવી રહેલા ટેમ્પો ચાલકની પોલીસે પૂછપરછ કરતાં દારૂનો જથ્થો મધ્યપ્રદેશના બેટમાં ગામના ઇદ્રીશ ઉર્ફ ગુડ્ડુએ ભરાવ્યો હોવાનું અને આ જથ્થો રતનપુર ગામના રાકેશ ઉર્ફ લાલો રજનીકાંત જયશ્વાલ અને હિતેશ ઉર્ફ પપ્પુ રજનીકાંત જયશ્વાલે મંગાવ્યો હોવાનું જણાવ્યું હતું. એલસીબીએ ટેમ્પો ચાલક ઇશાક મુડા, એમ.પી.ના ઇદ્રીશ ઉર્ફ ગુડ્ડુ તેમજ રતનપુર ગામના કુખ્યાત બુટલેગર જયશ્વાલ બંધુ રાકેશ ઉર્ફ લાલો રજનીકાંત અને હિતેશ ઉર્ફ પપ્પુ રજનીકાંત સામે વરણામા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે બુટલેગર જયશ્વાલ બંધુઓને સહિત ત્રણને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છેઆગામી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં દારૂની થતી રેલમછેલને અટકાવવા માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચાપતી નજર ગોઠવી દેવામાં આવી છે. શનિવારે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાચે રતનપુર ગામના કુખ્યાત બુટલેગર જયશ્વાલ બંધુઓએ મધ્યપ્રદેશથી મંગાવેલો રૂપિયા ૧૪ લાખ ઉપરાંતનો દારુનો જથ્થો ઝડપી પાડ્યો હતો. નોધનિય છે કે, આ બુટલેગર બંધુઓ દ્વારા અગાઉ પોલીસ ઉપર પણ હુમલા કરવામાં આવ્યા છે., આમ છતાં પોલીસ તંત્ર દ્વારા તેઓને છાવરવામા આવે છે.


