વડોદરા
વડોદરા શહેરના પાણીગેટ-આજવા રોડ ત્રણ રસ્તા પાસે આવેલી ૪૦૬૪ સ્ક્વેર ફૂટ જમીન ઉપર ઝૂંપડાં બાંધીને ગેરકાયદેસર કબજાે જમાવનાર ૨૬ લોકો સામે ફરિયાદ નોંધાઇ છે. પોલીસે જમીન ઉપર કબજાે જમાવીને બેઠેલા તમામ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
પાણીગેટ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વિગત એવી છે કે, સુરતના નાનપુરા ખાતે આવેલા મકાન નંબર-૧-૨૭૫૭, મેઇન રોડ ઉપર આરીફભાઇ ગનીભાઇ વ્હોરા પરિવાર સાથે રહે છે અને વ્હોરા કન્સ્ટ્રક્શન નામે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરે છે. તેઓની વડોદરા શહેરના પાણીગેટ-આજવા રોડ ઉપર વડોદરા સિટી સર્વે નંબર ૯૨૩/૧/૧ પૈકી સર્વે નંબર ૮૫૪થી ૮૫૯, ૮૯૩, વોર્ડ ટી.પી.-૪, એફ.પી.-૪ વાળી ૪૦૬૪ સ્ક્વેર ફૂટ જમીન આવેલી છે. આ જમીન અગાઉ જ્યાં સુલેમાની ચાલી હતી તે ચાલીની બાજુમાં આવેલી છે.
જમીન માલિક આરીફભાઇ વ્હોરાએ આ જમીન રોઝી એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ ઇસ્માઇલભાઇ નુરૂભાઇ વ્હોરા અને સેક્રેટરી સારા અલીભાઇ દરજીને નોટરી સમક્ષ સમજૂતી કરાર કરીને સ્કૂલનું બાંધકામ કરવા માટે આપી હતી. પરંતુ, સમજૂતી કરાર મુજબ તેઓએ નક્કી કરેલા ભાવ મુજબ નાણાં ચૂકવ્યા ન હતા અને માલિકીની જગ્યા પણ પરત આપી ન હતી. જેથી તેઓએ રોઝી એજ્યુકેશન ટ્રસ્ટ વિરૂદ્ધ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો.
ફરિયાદમાં જણાવ્યા મુજબ આરીફભાઇ વ્હોરા પરિવાર સાથે સુરતમાં રહેતા હોવાથી તેઓ જમીનનું ધ્યાન રાખી શકતા ન હતા. દરમિયાન જમીનમાં લોકોએ કાચા-પાકા ઝૂંપડાં તથા ટેન્ટ બાંધીને રહેવાનું શરૂ કરી દીધું હતું. જે અંગેની જાણ જમીન માલિક આરીફભાઇને થતાં તેઓ તેમના પુત્ર અતીક સાથે જમીન ઉપર આવ્યા હતા અને જમીન ઉપર રહેતા લોકોને જમીન ખાલી કરવા માટે જણાવતા પિતા-પુત્રને જમીન અમારી છે. આ જમીનમાં આવવું નહીં અને આવશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
દરમિયાન આ જમીનના માલિક આરીફભાઇ વ્હોરાએ પોતાની જમીન પરત મેળવવા માટે પાણીગેટ પોલીસ મથકમાં જમીનમાં રહેતા અને ધમકી આપનાર ૨૬ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે તમામ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.