ધ્રાંગધ્રા :
સામાજિક માળખું નાની વાતો, જરૂરિયાતો સાથે અનેક સકારાત્મક અને નકારાત્મક વિચારસરણી થી રચાયેલું હોય છે. અહીં વ્યક્તિત્વ મર્યાદિત કે અમર્યાદિત બનાવવું વ્યક્તિ નાં પોતાના ઉપર નિર્ભર કરે છે. હા પણ કોઈ પણ લક્ષય હોય તમે સામાજિક ઢાંચા ની મર્યાદા સાથે સમરસ રહી ને કાર્ય કરો તો જ સમાજ ને ખરાં અર્થમાં ઉપયોગી બનતા હોય છો.
સમાજ પાસે થી લેવું કે આપવું બંને વાતો માં વ્યક્તિ જયારે સ્વતંત્ર હોય છે તયારે એક આમ નાગરિક તરીકે જાહેર સમાજ માટે સમજુ અને જવાબદાર બનવું એ ક્યારેય નાની વાત નથી હોતી. ધ્રાંગધ્રાનાં વસાડવા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી કૌશિકભાઈ પ્રજાપતિ એક અનોખું વ્યક્તિત્વ છે. શિક્ષણ જગત માં નામના ધરાવતા કૌશિકભાઈ શિક્ષણક્ષેત્રે તેમની ઉત્તમ ફરજ નિભાવવા સાથે જાહેર સમાજ માટે પણ શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યા છે. હાલમાં જ ભારતીય શિક્ષક સમુદાય તરફથી સન્માન પામેલા કૌશિકભાઈ ને રાષ્ટ્રીય કક્ષાએ ફોર્થ સ્ક્રીન એજ્યુકેશન દ્વારા એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે. કૌશિકભાઈ ધ્રાંગધ્રા માં પુસ્તક પરબનું પણ અવારનવાર આયોજન કરતા રહ્યા છે. ધ્રાંગધ્રા શહેરની સાર્વજનિક જગ્યાઓ ઉપર શાંતિ થી લોકો અમૂલ્ય પુસ્તક સંપત્તિ નું વાંચન કરી શકે તે હેતુથી તેઓ નિઃશુલ્ક પુસ્તક પરબ નું આયોજન કરી ને સમાજ ઉપયોગી કાર્યમાં સહભાગી થતાં રહ્યા છે.
જાહેર સમાજ નાં ઉત્થાન માં આમ નાગરિક ની પણ ફરજો રહેલી છે. એવા જ એક જાગૃત, સમજુ અને જવાબદાર સમાજ સેવક શંભુભાઈ મિસ્ત્રી એ જાહેર સમાજ પ્રત્યે નાં ઋણ ને સમજીને પોતાની પાસે રહેલા 500 પુસ્તક નું કૌશિકભાઈ ને દાન કરીને પુસ્તક પરબ ને અર્પણ કરેલ હતાં. જેમાં ધાર્મિક, વ્યક્તિત્વ વિશેષ, આરોગ્યલક્ષી અને જીવન ઘડતર ને લાગતાં પુસ્તક હતાં જે આવનારા પરબ નાં આયોજનમાં ધ્રાંગધ્રાવાસીઓને વાંચવા મળશે. જો કે શંભુભાઈ સુરેન્દ્રનગર જિલ્લામાં 50 હજાર ચકલી ઘર પહોચાડવાના લક્ષય સાથે સેવાકાર્ય થી જોડાયેલા છે અને આખા જિલ્લામાં એમના આ કાર્યની ઉત્તમ નોંધ પણ લેવાઈ છે તયારે આ પુસ્તક નું દાન અનેક યુવાનો ને પ્રેરણા આપશે અને ઉપયોગી પણ બનશે જ.
આ તકે શંભુભાઈ ને આ પારંપરિક પિતૃ ગુણ મળ્યા છે એમ ટાંકીને એમના પીતા સ્વઃ મદનલાલને ( મહાદેવભાઈ મિસ્ત્રી ) ચોક્કસ યાદ કરવા પડશે કેમ કે ધ્રાંગધ્રા માં અનેક સામાજિક, સેવાકીય અને વિકાસના કાર્યો માં એમનો અમૂલ્ય ફાળો આજે ય એમના સાથી મિત્રો, વડીલો અને આગેવાનો યાદ કરે છે.
જાહેર સમાજ માં અપાતું યોગદાન વ્યક્તિત્વ નિખાર સાથે આમ નાગરિક ની મુખ્ય ફરજ છે એમ દરેક વ્યક્તિ જયારે સમજે અને જાગૃત બનીને આ દિશામાં પોતાની ક્ષમતા મુજબ સહભાગી બને તો એક ઉમદા શહેર નું નિર્માણ થાતું હોય છે જેની દરેકે નોંધ લેવી જોઈએ.


